બજરંગ પુનિયાએ પોતાનું સન્માન પ્રધાનમંત્રી આવાસની સામે ફૂટપાથ પર રાખ્યું
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ અને અપમાન બાદ આવા સન્માનો વ્યર્થ લાગે છે
એક દિવસ પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી
ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા ચીફ સંજય સિંહના વિરોધમાં પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. શુક્રવારે મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી દર્શાવે છે કે કુસ્તીબાજોનું ભવિષ્ય હવે સુરક્ષીત નહીં રહે.
ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી મહિલા રેસલર સાક્ષી મલિકે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને હવે એ જ ક્રમમાં પુરુષ રેસલર બજરંગ પુનિયાએ શુક્રવારે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. બજરંગ પુનિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને તેના દ્વારા તેણે પોતાનું આ સન્માન પરત કરવાની જાહેરાત કરી હતી. સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ આ પગલું બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ ભારતના રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બન્યા બાદ ઉઠાવ્યું છે. બજરંગ પુનિયાએ પોતાનું સન્માન પ્રધાનમંત્રી આવાસની સામે ફૂટપાથ પર રાખ્યું છે.
બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે, “માનનીય વડાપ્રધાન, હું આશા રાખું છું કે તમે સ્વસ્થ હશો. તમે દેશની સેવામાં વ્યસ્ત હશો. તમારી ભારે વ્યસ્તતા વચ્ચે, હું તમારું ધ્યાન અમારી કુસ્તી તરફ દોરવા માંગુ છું. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશની મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રભારી બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જ્યારે તે મહિલા કુસ્તીબાજોએ તેમનું આંદોલન શરૂ કર્યું ત્યારે હું પણ તેમાં જોડાયો હતો. સરકારે નક્કર પગલાં ભરવાની ખાતરી આપી ત્યારે તેઓએ આંદોલન પાછું ખેંચ્યું હતું, પરંતુ ત્રણ મહિના પછી પણ જ્યારે બ્રિજ ભૂષણ સામે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નહી આવી, ત્યારે એપ્રિલ મહિનામાં અમે કુસ્તીબાજો ફરીથી રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને માગણી કરી હતીકે દિલ્હી પોલીસ બ્રિજભૂષણ સિંહ સામે કાર્યવાહી કરે.
મને પદ્મશ્રી, ખેલરત્ન અને અર્જુન એવોર્ડથી સન્માનવામાં આવ્યો છે. આ સન્માનો મેળવી મને મારું જીવન સફળ લાગતું હતું, પણ કુસ્તીમાં અમારો સાથી મહિલા કુસ્તીબાજોએ પોતાની સુરક્ષા માટે કુસ્તી પણ છોડી દેવી પડે છે. મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ અને અપમાન બાદ આવા સન્માનો વ્યર્થ લાગે છે, તેથી જ હું તમને આ “સન્માન” પરત કરી રહ્યો છું.
ગુરુવારે સાક્ષી મલિકે રડતા રડતા કહ્યું હતું કે જે આજે ફેડરેશનના પ્રમુખ બન્યા છે. અમને ખબર હતી કે તે પ્રમુખ બનશે. તે બ્રિજભૂષણને પુત્ર કરતાં પણ વધારે વ્હાલા છે. અત્યાર સુધી પડદા પાછળ જે થતું હતું તે હવે ખુલ્લેઆમ થશે, અમે અમારી લડાઈમાં સફળ થયા નથી. અમે અમારી વાત દરેકને જણાવી છે. આખો દેશ જાણતો હોવા છતાં યોગ્ય વ્યક્તિ બની શક્યો નથી. હું આપણી આવનારી પેઢીઓને કહેવા માંગુ છું કે શોષણ માટે તૈયાર રહે.
જ્યારે બજરંગ પુનિયાએ કહ્યું હતું કે રમત મંત્રાલયે વચન આપ્યું હતું કે “રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા”(WFI) ની બહારથી કોઈ ફેડરેશનમાં આવશે. આખી સિસ્ટમ જે રીતે કામ કરી રહી છે મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આપણા દેશમાં કોઇ ન્યાય બચ્યો નથી, તે માત્ર અદાલતોમાં જ મળશે, આપણે જે પણ લડાઇ લડ્યા છીએ, આવનારી પેઢીઓએ વધુ લડવું પડશે. સરકારે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું નથી.