કોરોનાથી બચવા માટે સામાન્ય ઉપાયની જરૂર છે જેમ કે માસ્કનો ઉપયોગ કરવા, હાથની સ્વચ્છતા જાળવવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવુ
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.કોરોનાનો નવો સબ-વેરિયન્ટ JN.1ને કારણે લોકોમાં કોરોના અંગે ફરીથી ભયનું વાતાવરણ છે. ભારતમાં અત્યાર સુધી 21 કેસ સામે આવ્યા છે, જેનાથી લોકોમાં ફરીથી ગભરામણ થઈ રહી છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના પૂર્વ પ્રમુખ વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આ જોખમી નથી. જોકે, સાવધાની રાખવી જરૂરી છે. લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે.
WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક, ડૉ. સૌમ્યા સ્વામીનાથને કોવિડને સામાન્ય શરદી તરીકે ન માનવા સતર્ક કર્યા છે. જે લોકો ગંભીર રીતે બીમાર હોય અથવા લાંબા સમયની માંદગીથી પીડાતા હોય તેઓને વધુ જોખમ હોય છે. આ કારણે વ્યક્તિને હાર્ટ એટેક, સ્ટ્રોક અને માનસિક સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તેમણે કહ્યુ કે અમારી પાસે સૂચન આપવા માટે હાલ કોઈ ડેટા નથી. આપણે માત્ર સતર્કતા રાખવાની જરૂર છે. બચવા માટે સામાન્ય ઉપાયની જરૂર છે. જેમ કે ઓછા વેન્ટિલેશન વાળા સ્થળોએ લાંબો સમય રહેવાથી બચવુ જોઈએ. જો આવા વિસ્તારમાં રહેવાનું થાય તો માસ્ક જરૂર પહેરો. ખુલ્લા સ્થળમાં રહેવાનો પ્રયત્ન કરો. કોઈ સંક્રમિત વ્યક્તિની પાસે જવાથી બચો. જો તાવ કે શ્વાસ ફૂલવા જેવી કોઈ પણ સમસ્યા થાય તો હોસ્પિટલ જઈને ચેકઅપ કરાવવુ જોઈએ. WHOએ પણ જણાવ્યુ છે કે વર્તમાન પુરાવાના આધારે જેએન-1 નું જોખમ ઓછુ છે. ઉલ્લેખનીય છે કે સ્વામીનાથન ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
આ સીઝનમાં શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે, પરંતુ કોરોનાના બદલેલા સ્વરૂપના આવ્યા બાદ તેને હળવાશમાં લઈ શકાય નહીં. જો કોઈ દર્દીને શરદી-ખાંસી લાંબા સમયથી છે તો તેને કોરોનાની તપાસ કરાવવી જોઈએ. એક્સપર્ટે માસ્કનો ઉપયોગ કરવા, હાથની સ્વચ્છતા જાળવવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા માટેની ભલામણ કરી છે. ખરેખરમાં, ભારતમાં કોરોના વેક્સિનેશન પછી, લોકોને નવા વેરિયન્ટથી જોખમ ઓછું છે.
કોરોનાના નવો વેરિયન્ટ JN.1ના લક્ષણો
તાવ
વહેતું નાક
સૂકી ખાંસી
માથાનો દુખાવો
અતિશય થાક લાગવો
થાક અને સ્નાયુઓની નબળાઇ
શ્વાસ લેવામાં તકલીફ