આ પહેલાં પણ નવાઝ શરીફે ભારતના વિકાસની પ્રશંસા કરી હતી
ભારતે કર્યું એ પાકિસ્તાન શા માટે નથી કરી શકતું અને આ માટે કોણ જવાબદાર છે?
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત અને પાકિસ્તાનની આર્થિક સ્થિતિની સરખામણી કરીને પાકિસ્તાનની કથળતી સ્થિતિ પર ફિટકાર વરસાવી હતી. બંને દેશોની સરખામણી કરીને તેમણે કહ્યું કે, ભારત એક તરફ જ્યાં ચંદ્ર પર પહોંચી ગયું છે અને આપણે જમીન પરથી પણ ઉપર ઊઠી શકતા નથી.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે બધા જાણે છે. તે દરરોજ કોઈને કોઈ દેશ તરફ મદદનો હાથ લંબાવે છે. પરંતુ તેની સ્થિતિમાં સુધારો થતો દેખાઈ રહ્યો નથી. હવે પાડોશી દેશના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, આપણો પડોશી દેશ ચંદ્ર પર પહોંચી ગયો છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ જમીન પરથી ઉપર નથી આવ્યું. નવાઝ શરીફ બુધવારે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.
દેશની ભયંકર આર્થિક સ્થિતિ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, ‘આપણા પડોશીઓ ચંદ્ર પર પહોંચી ગયા છે, પરંતુ આપણે હજુ જમીન પરથી ઊઠી શક્યા નથી. આપણા જ પતન માટે આપણે જ જવાબદાર છીએ, નહીંતર આ દેશ આજે અલગ જગ્યાએ પહોંચી ગયો હોત.
પાકિસ્તાનમાં વર્તમાન કટોકટી માટે કોને જવાબદાર ગણવા જોઈએ તેના પર શરીફે કહ્યું, ‘આપણે પોતે જ જવાબદાર છીએ. 2014માં અમારી સરકાર વખતે મોંઘવારી ઓછી હતી અને ઇસ્લામાબાદમાં બે પાકિસ્તાની રૂપિયામાં એક રોટલી મળતી હતી, જે હવે 30 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે.
આ પહેલાં પણ નવાઝ શરીફે ભારતના વિકાસની પ્રશંસા કરી હતી. ભારત સરકારે જ્યારે ચંદ્ર પર પોતાનું ચંદ્રયાન-3 ઉતાર્યું અને મિશન સફળ થયું, ત્યારે પણ બંને દેશોની સરખામણી કરતાં કહ્યું હતું કે, આજે જ્યારે પાકિસ્તાની PM દેશ-વિદેશમાં પૈસાની ભીખ માંગી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ભારત ચંદ્ર પર પહોચી ગયું છે અને સાથે G20ની બેઠકોનું આયોજન પણ કરે છે. ભારતે કર્યું એ પાકિસ્તાન શા માટે નથી કરી શકતું અને આ માટે કોણ જવાબદાર છે?
શરીફ ચોથી વખત વડાપ્રધાન પદની રેસમાં સામેલ થયા છે. તેમણે કહ્યું કે વર્ષ 2013માં દેશ વીજળીના ભારે લોડ શેડિંગનો સામનો કરી રહ્યો હતો. પછી અમે આવ્યા અને તે પૂર્ણ કર્યું. સમગ્ર દેશમાંથી આતંકવાદનો ખાત્મો કર્યો. આ સિવાય કરાચીની શાંતિ પુનઃસ્થાપિત થઈ, હાઈવેનું નિર્માણ થયું, CPEC આવ્યું અને વિકાસ અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ ઘણા સમયથી લંડનમાં રહેતા હતા. પાકિસ્તાનમાં તેમની સામે ભ્રષ્ટાચાર મામલે કેસ ચાલી રહ્યો હતો. થોડા સમય પહેલાં જ તેમને ઇસ્લામાબાદની હાઈકોર્ટે અલ-અઝીઝિયા સ્તોઈલ મિલ કૌભાંડના કેસમાં મુક્ત કર્યા હતા. જ્યારે બીજા એક મિલકતના કેસમાં પણ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.