કેજરીવાલ શરાબ કૌભાંડના માસ્ટરમાઈન્ડ, કરોડોના ગોટાળો કર્યો, તેમણે સિસોદિયાને સૂળી પર લટકાવ્યા : સંદીપ પાત્રા
દિલ્હીમાં લિકર પોલિસી મુદ્દે રણસંગ્રામ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની આમ આદમી પાર્ટી શાસિત સરકારના અનેક નેતાઓ અને અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી ખુલતી ગઈ હતી અને હવે આ રેલો આપના વડા અને અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે.
ઈડીએ દિલ્હી શરાબ કાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલીને પૂછપરછ મામલે બોલાવ્યા હતા. જોકે તેઓ ઈડી સમક્ષ હાજર ન થયા હતા. જેને લઈને BJPએ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. સંબિત પાત્રાએ કહ્યું કે, કેજરીવાલ ઈડીના સમન્સથી ભાગી રહ્યા છે અને તેઓ જ શરાબ કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે.
કેજરીવાલ ED સમય હાજર ન થતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘કેજરીવાલની બેશરમી તો જુઓ, આજે પણ ભાગી ગયા અને આ પહેલા 2 નવેમ્બરે પણ ભાગી ગયા હતા.’ અરવિંદ કેજરીવાલ તપાસથી દૂર ભાગી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ શરાબ કાંડના માસ્ટરમાઈન્ડ છે અને તેમના શરાબના હિસાબની ગણતરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, વિપક્ષને જોડનાર ફેવિકૉલ પણ શરાબ છે અને ઈન્ડિયા ગઠબંધનને શરાબએ જ જોડ્યો છે.
અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ કરતા સંબિત પાત્રાએ કહ્યું કે, ‘કુશાસન કર્યું છે તો જેલશાસન થશે. કેજરીવાલ અને કર્તવ્યો ક્યારે સાથે ન ચાલી શકે. કેજરીવાલે કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો છે. કેજરીવાલ જેલથી બચવા ભાગી રહ્યા છે, ક્યાં સુધી ભાગશે. કેજરીવાલ શરાબ કૌભાંડના કિંગપિન છે. કેજરીવાલ જ્યાં ભાગશે, ત્યાં કાયદો પહોંચી જશે. વધુમાં તેમણે કહ્યું કે, શરાબ કૌભાંડ કરીને કોઈ ભાગી રહ્યા છે, કોઈ ભારતના ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરી માર્ચ કરી રહ્યા છે.