રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવામાં આવશે, ત્રણેય બિલમાં અમે મહિલાઓ અને બાળકોને અસર કરતા કાયદાને પ્રાથમિકતા
અગાઉના કાયદામાં આતંકવાદની વ્યાખ્યા પણ ન હતી, પરંતુ હવે સરકાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે
વિદેશી શાસકોએ શાસન માટે કાયદા બનાવ્યા હતા, વડાપ્રધાન ગુલામીના ચિન્હોને દૂર કરી રહ્યા છે
લોકસભામાં 3 નવા ક્રિમિનલ બિલ પાસ કરવામાં આવ્યા છે. હવે એને રાજ્યસભામાં મોકલવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ એને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. આ અંગે રજૂઆત કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- બ્રિટિશયુગનો રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ જેવા ગુના માટે મૃત્યુદંડ આપવામાં આવશે. અપરાધિક ન્યાય પ્રણાલીમાં મૂળભૂત પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી સંસ્થાનવાદી કાયદાઓમાંથી સ્વતંત્રતા મેળવવા અંગે વાત કરી હતી, જે હેઠળ ગૃહ મંત્રાલયે ક્રિમિનલ લૉમાં ફેરફાર કરવા માટે ઊંડી ચર્ચા કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય (દ્વિતિય) સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતિય) સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય (દ્વિતિય) અધિનિયમ 2023 બિલ લોકસભામાં રજૂ કર્યા. બિલ રજૂ કરતાં ગુહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકાર અંગ્રેજોના જમાનાના કાયદાઓમાં ફેરફાર કરી રહી છે. રાજદ્રોહને પણ દેશદ્રોહમાં બદલવામાં આવશે. મોબ લિંચિંગ પણ એક ઘૃણાસ્પદ ગુનો છે અને તે માટે અમે ફાંસીની સજાની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે નવું બિલ હાલના ઇન્ડિયન પિનલ કોડની જગ્યા લેશે. “નવા કાયદાઓ વ્યક્તિની સ્વતંત્રતા, માનવધિકાર અને સૌની સાથે સમાન વ્યવહારના ત્રણ સિદ્ધાંતોના આધાર પર બનાવવામાં આવ્યા છે. ”
નવા કાયદાઓમાં મહિલાઓ અને બાળકોને પ્રભાવિત કાયદાઓને પ્રાથમિકતા આપવામાં આવી
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકાર પહેલી વખત આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે, તેની સાથે જ રાજદ્રોહને દેશદ્રોહમાં પરિવર્તિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ત્રણેય બિલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયો છે. તે બનાવતા પહેલા 158 કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો હતો. અગાઉ સીઆરપીસીમાં 484 કલમ હતી, જેમાં હવે 531 કલમો હશે. 177 કલમમાં ફેરફાર કરાયા છે, 39 નવી પેટા કલમ અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.’નવા કાયદાઓમાં મહિલાઓ અને બાળકોને પ્રભાવિત કાયદાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારબાદ, માનવ અધિકારોને લગતા કાયદાઓ અને દેશની સુરક્ષાને લગતા કાયદાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે આ બિલમાં ઘણી નવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમે તપાસમાં ફોરેન્સિક તપાસ પર ભાર આપ્યો છે. તપાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અત્યારે દેશમાં ત્રણ પ્રકારની ન્યાય પ્રણાલી છે, આ બિલ પસાર થયા પછી દેશમાં એક પ્રકારની ન્યાય વ્યવસ્થા હશે.
રાજદ્રોહનાં કાયદો બદલાયો, તેને બદલે હવે દેશદ્રોહનો કાયદો
રાજદ્રોહને બદલે મેં તેને દેશદ્રોહમાં બદલ્યો છે, કારણ કે હવે દેશ આઝાદ થઈ ગયો છે, લોકશાહી દેશમાં કોઈપણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકે છે. આ તેમનો અધિકાર છે. પરંતુ જો કોઈ દેશની સુરક્ષા અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે કંઈ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જો કોઈ સશસ્ત્ર વિરોધ કે બોમ્બવિસ્ફોટ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેને જેલમાં જવું પડશે, તેને મુક્ત થવાનો કોઈ અધિકાર નથી. કેટલાક લોકો એને પોતાના શબ્દોમાં તૈયાર કરવાનો પ્રયાસ કરશે, પરંતુ કૃપા કરીને મેં જે કહ્યું એ સમજો. જે કોઈ દેશનો વિરોધ કરશે તેને જેલમાં જવું પડશે.
આતંકવાદ અંગે ખુલાસો
અગાઉના કાયદામાં આતંકવાદની વ્યાખ્યા પણ ન હતી, સંસદમાં બેઠેલા લોકો એને માનવ અધિકાર ગણાવીને એનો વિરોધ કરતા હતા. જ્યારે આતંકવાદ માનવ અધિકાર વિરુદ્ધ છે. હવે સરકાર આતંકવાદની વ્યાખ્યા નક્કી કરવા જઈ રહી છે. હવે ખુલાસો કરવામાં આવ્યો છે કે જે કોઈ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં નાખીને ભય ફેલાવશે તેને આતંકવાદી ગણવામાં આવશે. હવે આમાં વિરોધનો કોઈ અવકાશ નથી, આતંકવાદી કૃત્યો કરનારાઓ પ્રત્યે દયા ન રાખવી જોઈએ.
બળાત્કાર માટે અલગ-અલગ સજા
પહેલાં બળાત્કાર માટે કલમ 375, 376 હતી, હવે કલમ 63, 69માં બળાત્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાંથી ગુનાઓની ચર્ચા શરૂ થાય છે. સામૂહિક બળાત્કારની વાત પણ સામે આવી છે. બાળકો સામેના ગુનાઓ પણ સામે આવ્યા છે. હત્યા 302 હતી, હવે એ 101 થઈ ગઈ છે. સામૂહિક બળાત્કારના આરોપીને 20 વર્ષ સુધી અથવા તે જીવતો હોય ત્યાં સુધીની જેલની સજા થશે.
18, 16 અને 12 વર્ષની છોકરીઓ પરના બળાત્કાર માટે અલગ-અલગ સજા મળશે. 18 વર્ષથી ઓછી ઉંમરના બળાત્કાર માટે આજીવન કેદ અને મૃત્યુદંડ. ગેંગરેપના કેસમાં 20 વર્ષની કેદ અથવા આજીવન કેદ. 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરવા બદલ ફરીથી મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. સહમતીથી બળાત્કારની ઉંમર 15 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી છે. જો 18 વર્ષની છોકરી પર બળાત્કાર થશે તો સગીર પણ બળાત્કારમાં સામેલ થશે.
અપહરણની કલમ 359, 369 હતી, હવે એ 137 અને 140 છે. માનવ તસ્કરી માટે 370, 370A હતી, હવે એ 143, 144 થઈ ગઈ છે.
હત્યાને બે ભાગમાં વહેંચવામાં આવી
દોષિત હત્યાને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. જો વાહન ચલાવતી વખતે અકસ્માત થાય તો આરોપી ઘાયલને પોલીસ સ્ટેશન કે હોસ્પિટલમાં લઈ જાય તો તેને ઓછી સજા આપવામાં આવશે. હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની સજા થશે. તબીબોની બેદરકારીને કારણે થયેલી હત્યાઓને ગુનેગાર હત્યા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ માટે સજામાં પણ વધારો કરવામાં આવ્યો છે, આ માટે હું સુધારો લાવીશ, ડૉક્ટરોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે કોઈને માથા પર લાકડી વડે મારનારને સજા થશે, જો આરોપી બ્રેઈન ડેડ થઈ ગઈ હોય તો આરોપીને 10 વર્ષની કેદની સજા થશે. આ સિવાય પણ ઘણા ફેરફારો છે.
પોલીસની જવાબદારી
નવા કાયદામાં પોલીસની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. અગાઉ જ્યારે પણ કોઈની ધરપકડ કરવામાં આવતી ત્યારે તેનાં પરિવારજનોને તેની જાણ પણ ન હતી. હવે જો કોઈની ધરપકડ થશે તો પોલીસ તેના પરિવારને જાણ કરશે. કોઈપણ સંજોગોમાં પોલીસ પીડિતને 90 દિવસમાં શું થયું એની જાણ કરશે. પીડિત અને પરિવારને તપાસ અને કેસના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપવા માટે ઘણા મુદ્દા ઉમેરવામાં આવ્યા છે.
ત્રણ કાયદાની મહત્ત્વની જોગવાઈઓ
જો આપણે ભારતીય ન્યાયિક સંહિતાની વાત કરીએ તો એમાં માનવ સંબંધિત અનેક ગુનાઓ પાછળ રાખવામાં આવ્યા હતા. બળાત્કારના કેસો, બાળકો સામેના ગુનાઓ આગળ મૂકવામાં આવ્યા છે.
3 દિવસમાં FIR નોંધવી પડશે
ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા- દેશમાં ગરીબોને ન્યાય મળવો મુશ્કેલ છે, પરંતુ ગરીબો માટે બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવી છે. પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી- CrPCમાં કોઈ સમય મર્યાદા નથી. પોલીસ 10 વર્ષ પછી પણ તપાસ કરી શકે છે. ત્રણ દિવસમાં રિપોર્ટ દાખલ કરવાનો રહેશે.
રેપ પીડિતાનો રિપોર્ટ 7 દિવસમાં પોલીસ સ્ટેશન અને કોર્ટમાં મોકલવાનો રહેશે
હવે કોઈપણ વિલંબ કર્યા વિના રેપ પીડિતાનો રિપોર્ટ પણ 7 દિવસમાં પોલીસ સ્ટેશન અને કોર્ટમાં મોકલવાનો રહેશે. અગાઉ 7થી 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની જોગવાઈ હતી, પરંતુ લોકો કહેતા હતા કે તપાસ ચાલી રહી છે અને વર્ષો સુધી કેસ સ્થગિત રાખવામાં આવ્યા હતા. હવે સમય 7થી 90 દિવસનો હશે, હવે આ સમય પૂરો થયા પછી તમને માત્ર 90 દિવસનો સમય મળશે. 180 દિવસ પછી ચાર્જશીટ લટકાવી નહીં શકાય.
આરોપી આરોપો ઘડવાના 30 દિવસની અંદર આરોપ સ્વીકારે છે તો સજામાં ઘટાડો થશે
હવે, જો આરોપી આરોપો ઘડવાના 30 દિવસની અંદર આરોપો સ્વીકારે છે તો સજામાં ઘટાડો થશે. એ પછી સજામાં ઘટાડો નહીં થાય. ટ્રાયલ પ્રક્રિયામાં કાગળો રાખવાની કોઈ જોગવાઈ નહોતી, હવે તેને 30 દિવસમાં પૂર્ણ કરવી પડશે. ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેવાના કિસ્સામાં પણ જોગવાઈ કરવામાં આવી છે, કેટલાક લોકોને આની સામે વાંધો હોઈ શકે છે.
આરોપીની ગેરહાજરીમાં ટ્રાયલ થશે
દેશમાં ઘણા કેસો પેન્ડિંગ છે, બોમ્બબ્લાસ્ટ જેવા કેસના આરોપીઓ પાકિસ્તાન જેવા દેશોમાં છુપાયેલા છે. હવે તેમને અહીં આવવાની કોઈ જરૂર નથી. જો તેઓ 90 દિવસની અંદર કોર્ટમાં હાજર નહીં થાય, તો તેમની ગેરહાજરીમાં ટ્રાયલ થશે અને ફાંસીની સજા પણ થશે, જેનાથી આરોપીને તે દેશમાંથી પરત લાવવાની પ્રક્રિયા સરળ બનશે.
અડધી સજા ભોગવ્યા બાદ મુક્ત થઈ શકે છે
ગંભીર મામલામાં આરોપી અડધી સજા ભોગવ્યા બાદ મુક્ત થઈ શકે છે. ચુકાદામાં વર્ષો સુધી વિલંબ થઈ શકે નહીં. કેસ પૂરો થયા બાદ જજે 43 દિવસમાં પોતાનો નિર્ણય આપવાનો રહેશે. નિર્ણય આપ્યાના 7 દિવસમાં સજા સંભળાવવાની રહેશે. અગાઉનાં વર્ષો સુધી દયાની અરજીઓ દાખલ કરવામાં આવતી હતી. દોષિત દયાની અરજી કરી શકે છે. અગાઉ આવી અરજીઓ કોઈપણ NGO અથવા કોઈપણ સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવતી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાયા બાદ 30 દિવસમાં જ દયા અરજી દાખલ કરી શકાય છે. હવે કોઈપણ વ્યક્તિને લાંબો સમય જેલમાં રાખી શકાશે નહીં, જો તેણે એક તૃતીયાંશ સજા જેલમાં વિતાવી હોય તો તે મુક્ત થઈ શકે છે.
મેનિફેસ્ટોમાં આપેલાં તમામ વચનો પૂરાં કરી રહ્યા છીએ
2014માં પીએમ મોદીની સરકાર સત્તામાં આવ્યા બાદ અમે મેનિફેસ્ટોમાં આપેલાં તમામ વચનો પૂરાં કરી રહ્યા છીએ. અમે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું વચન આપ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. 22મી જાન્યુઆરીએ રામલલ્લા ત્યાં હાજર રહેશે. અમે કહ્યું હતું કે અમે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપીશું.
નવા કાયદાઓ કોંગ્રેસની સમજણમાં નહિ આવે
આ દરમિયાન વિપક્ષને આડે હાથ લેતા ગૃહ મંત્રીએ કહ્યું કે ‘મારો તમને સવાલ છે કે તમે પણ દેશમાં વર્ષો સુધી શાસન કર્યું, તો તમે મોબ લિંચિંગ વિરુદ્ધ કાયદો કેમ ના બનાવ્યો? તમે મોબ લિંચિંગ શબ્દનો ઉપયોગ ફક્ત અમને ગાળો આપવા કર્યો પરંતુ સત્તામાં હતા ત્યારે કાયદો બનાવવાનું જ ભૂલી ગયા. કોંગ્રેસ પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું કે નવા કાયદાઓ કોંગ્રેસની સમજણમાં નહિ આવે.
સરકારે ત્રણેય કાયદાને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યા
ગૃહ મંત્રીએ આ અંગે વધુ વિગત આપતા કહ્યું કે ‘અગાઉના કાયદામાં દેશની નહીં પણ બ્રિટિશ રાજની સુરક્ષા જ પ્રાથમિકતા અપાઈ હતી. આ ત્રણેય બિલના માધ્યમથી સરકારે ત્રણેય કાયદાને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યા છે. આવા ત્રણ કાયદામાં પહેલીવાર અમે ભારતીયતા, ભારતીય બંધારણ અને ભારતની એ પ્રજાની ચિંતાને સ્થાન આપ્યું છે. અમે આમૂલ પરિવર્તન લઈને આવ્યા છીએ, જે ભારતની પ્રજાના હિતમાં છે. આઝાદી પછી પહેલીવાર ગુના વિરુદ્ધ ન્યાયની સિસ્ટમ સાથે સંકળાયેલા ત્રણ કાયદાનું માનવીયકરણ થશે. આ ત્રણેય બિલમાં અમે મહિલાઓ અને બાળકોને અસર કરતા કાયદાને પ્રાથમિકતા આપી છે. અને ત્યાર પછી માનવ અધિકારો સાથે સંકળાયેલા કાયદા અને દેશની સુરક્ષા સંબંધિત કાયદાને પ્રાથમિકતા અપાઈ છે.’