શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર જોરદાર ગતિ સાથે ખુલ્યું, સેન્સેક્સ, નિફ્ટી લાઇફ ટાઇમ હાઇ
હાલ શેરબજારમાં અદભૂત વૃદ્ધિનો સમયગાળો ચાલુ છે. આજ સવાર શુક્રવારે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શેરબજારમાં જોરદાર ગતિ સાથે ખુલ્યું અને સેન્સેક્સ-નિફ્ટી લાઇફ ટાઇમ હાઇ ઉપર પહોંચી ગયા. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ વધીને 71,000ને પાર કરી ગયો હતો. સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ તેની ગતિ જાળવી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી ગયો છે. શુક્રવારે નિફ્ટી 50 87.30 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઉછાળા સાથે 21,270 પર શરૂ થયો હતો અને થોડી જ વારમાં 21,300ની સપાટી વટાવી ગયો હતો.
ગતરોજ ગુરુવારે અગાઉના ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયું હતું. 14 ડિસેમ્બર સ્થાનિક શેરબજારો ગુરુવારે સતત બીજા દિવસે વધ્યા, BSE સેન્સેક્સ 929 પોઈન્ટથી વધુ ઉછળ્યો અને નવા રેકોર્ડ સ્તરે બંધ થયો. 30 શેરો પર આધારિત સેન્સેક્સ 929.60 પોઈન્ટ અથવા 1.34 ટકા ઉછળીને 70,514.20 પોઈન્ટના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો.
પચાસ શેરોનું પ્રતિનિધિત્વ કરતો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ગુરુવારે 256.35 પોઈન્ટ્સ અથવા 1.23 ટકાના વધારા સાથે 21,182.70 પોઈન્ટના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે વધીને 21,210.90 પોઈન્ટ થઈ ગયો હતો.