મોટાભાગના આતંકીઓને અજાણ્યા બંદુકધારીઓએ ઠાર માર્યા હતા
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આતંકવાદીઓની એક પછી એક હત્યા થઈ રહી છે જેનાં કારણે પાક સરકાર હચમચી ગઈ છે. ગત 2 ડિસેમ્બરનાં રોજ લશ્કર એ તોયબાના આતંકી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અહેમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેણે સાલ 2015માં અને 2016માં ઉધમપુર તેમજ કાશ્મીરના પંપોરમાં સુરક્ષાદળો પર હુમલામાં માસ્ટરમાઈન્ડની ભૂમિકા ભજવી હતી. આતંકી હંજલા અહેમદની ગોળી મારીને હત્યા કરાઈ હતી જેમાં ગોળી મારનારા કોણ હતા તેનો ખુલાસો હજી સુધી થયો નથી.
લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનને કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. હંજલા 2016માં પમ્પોરમાં સીઆરપીએફના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ થયા હતા.
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાં આ રીતે આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પહેલા મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહમદ પીર જેવા ઘણા આતંકવાદીઓ પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા.
આ વર્ષે પાકિસ્તાનમાં 22 આતંકવાદીઓના રહસ્યમય રીતે મોત થયા છે અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ તેમજ પોલીસ હવામાં બાચકા ભરી રહી છે. મરનાર આતંકીઓમાંથી ઘણા ખરા આતંકી ભારતમાં થયેલ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા હતા અને ભારતના વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતા. મોટાભાગના આતંકીઓને અજાણ્યા બંદુકધારીઓએ ઠાર મારીને યમલોક મોકલી દીધા હતા. જ્યાં સુધી હંજલા અહેમદની હત્યાની વાત છે તો અહેમદે તાજેતરમાં જ પોતાનુ ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાંચી ટ્રાન્સફર કર્યુ હતુ અને તેની કરાંચીમાં હત્યા થઈ ગઈ હતી.
મરનારાઓમાં કુખ્યાત આતંકી હાફિઝ સઈદો ભાઈ હામિ, અલ બદ્ર સંગઠનનો કમાન્ડર સૈયદ ખાલિદ, લશ્કર કમાન્ડર અકરમ ગાઝીનો પણ સમાવેશ થાય છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, અચાનક થઈ રહેલી હત્યાઓથી ખોફમાં આવી ગયેલા આતંકીઓ હવે પોતાના રહેણાક સ્થળો સતત બદલી રહ્યા છે અને તેમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ, મસૂદ અઝહર પણ છે. હજી પણ બીજા કેટલાક આતંકીઓ ટાર્ગેટ પર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. તેમાં પણ દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદ જેવા આતંકીઓ તો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના સેફ હાઉસમાં રહેવા માંડ્યા છે.