શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢનાર રેસ્ક્યૂ ટીમ પર અભિનંદનની વર્ષા, પરિવારજનોમાં હર્ષોલ્લાસ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવાનું અભિયાન મંગળવારે મોડી સાંજે લગભગ પૂર્ણ થઈ ગયું છે. સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રથમ મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર નીકાળેલા કામદારો સાથે વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ તેમની સાથે હતા. રેટ સ્નેપર્સ કંપની નવયુગના મેન્યુઅલ ડ્રિલર નસીમે કહ્યું – તમામ કામદારો સ્વસ્થ છે. મેં તેમની સાથે સેલ્ફી લીધી. તેમણે કહ્યું કે જ્યારે છેલ્લો પથ્થર હટાવવામાં આવ્યો ત્યારે બધાએ ખુશી વ્યક્ત કરી.
ઉત્તરાખંડના સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા છે. આ અહેવાલો સામે આવ્યા બાદ રાજકીય પક્ષો સહિત ઉદ્યોગપતિઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત સૌકોઈ રેસ્ક્યૂ ટીમને અભિનંદન પાઠવી રહી છે. 17 દિવસ સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ મંગળવારે તે મંગળઘડી આવી જેનો ન માત્ર મજૂરોનો પરિવાર પરંતુ આખો દેશ રાહ જોઈ રહ્યો હતો.


