તમામ આરોપીઓએ પોલીસની ધરપકડથી બચવા માટે મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી
મોરબી: શહેરમાં યુવકને ઢોર માર મારવાની ઘટનામાં લેડી ડોન તરીકેનો રોફ મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલને મોટો ઝટકો મળ્યો છે. રાણીબા સહિત તમામ આરોપીઓના આગોતરા જામીન નામંજૂર થયા છે. આ અંગેની મોરબી સેશન્સ કોર્ટમાં અરજી પર સુનાવાણી થઇ હતી.
મોરબીમાં પોતાનો બાકી પગાર માંગવા આવેલા દલિત યુવકને બેરહેમીપૂર્વક માર મારીને મોંઢામાં પગરખા લેવા મજબૂર કરી તેને અપમાનિત કરવાના ગુનામાં આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ તેના ભાઈ સહિત 5 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ તમામ આરોપીઓએ પોલીસની ધરપકડથી બચવા માટે મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી હોય તેવી રીતે આ પહેલા પણ તે ચર્ચામાં આવી હતી. તે સોશિયલ મીડિયામાં ઘણી જ અપડેટ રહે છે.
આપને જણાવી દઈએ કે મોરબીમાં રહેતા નિલેશ દલસાણીયા નામના યુવકે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી રબારી સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં નિલેશે પોતાના 16 દિવસનો બાકી પગાર માંગતા તમામ આરોપીઓએ ભેગા થઈને બેલ્ટથી તેને બેરહેમીપૂર્વક ફટકાર્યો હતો. આટલું જ નહીં, તેના મોંઢામાં પગરખા લેવા મજબૂર કરીને માફી મંગાવતો વીડિયો ઉતારીને જાતિ વિષયક અપશબ્દો બોલીને હડધૂત કર્યો હતો.
આ મામલે મોરબી એ-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વિરુદ્ધ એટ્રોસિટી અને IPCની કલમ 323, 504, 506 અંતર્ગત ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિધ ટીમો બનાવીને પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાની ઓફિસ સહિતના સ્થળે તપાસ હાથ ધરી હતી. જો કે આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નહતો. આ ઉપરાંત આરોપીઓનો પાસપોર્ટ પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. આટલું જ નહીં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી.
બીજી તરફ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, રાજ પટેલ, પરીક્ષિત, ઓમ પટેલ અને ડી.ડી રબારીએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે મોરબી સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટના સ્પેશિયલ જજ વી.એ.બુદ્ધે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.