વર્લ્ડકપ ફાઈનલમાં હાર બાદ વડાપ્રધાન મોદી ખેલાડીઓને મળ્યા, ડ્રેસિંગરૂમમાં જઇને ભારતીય ટીમનો જુસ્સો વધાર્યો

modi-with-team-india

રવિન્દ્ર જાડેજાએ શેર કરી વડાપ્રધાન સાથે તસવીર

ભારત માટે વર્લ્ડ કપ 2023, ખૂબ જ નિરાશા સાથે સમાપ્ત થયો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવી છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. જ્યારે ભારત વર્લ્ડકપથી એક જ ડગલુ દૂર રહી ગયુ હતું. ફાઈનલ મેચમાં હાર બાદ જ્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો તેઓ પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને રડતા જોવા મળ્યા હતા. હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સહિત ટીમના તમામ ખેલાડીઓ નિરાશ દેખાયા હતા. ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં જઈ ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ અને જુસ્સો વધાર્યો હતો. ડ્રેસિગ રૂમમાં પહોંચીને PMએ ખેલાડીઓને કહ્યું કે, વર્લ્ડકપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય અદ્ભુત હતો. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું છે. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ. આ મેચ નિહાળવા માટે સ્ટેડિયમમાં VVIP નો જમાવડો હતો. મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદા અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ હાજર રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં જઈ ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ અને જુસ્સો વધાર્યો હતો.

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથે ડ્રેસિંગરૂમની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે ફાઇનલમાં હારી ગયા. આપણે બધા દુઃખી છીએ, પરંતુ આપણા દેશના લોકોનો સપોર્ટ આપણને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.’

ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી-મોટી હસ્તીઓ આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજી ઇનિંગ દરમિયાન સ્ટેડિયમમાં દેખાયા હતા. પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા. ફાઈનલ મેચ જોવા માટે શાહરૂખ ખાન, ગૌરી ખાન, આશા ભોસલે, અનુષ્કા શર્મા, અથિયા શેટ્ટી, દીપિકા પાદુકોણ જેવા બોલીવૂડ સેલેબ્સ તેમજ અનેક મોટી હસ્તીઓ પણ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.