કુસલ પરેરાએ વર્લ્ડ કપ 2023ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી, ટ્રેવિસ હેડ અને કુસલ મેંડિસને છોડ્યા પાછળ

kusal-perera

પરેરાએ ન્યૂઝીલેન્ડ સામેનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે વર્લ્ડકપ 2023ની 41મી મેચ રમાઈ હતી. શ્રીલંકા સામે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમની શરૂઆત ખુબ ખરાબ થઇ હતી. પરંતુ શ્રીલંકા ટીમના ઓપનર કુસલ પરેરાએ શાનદાર બેટિંગ કરી હતી. એક તરફ શ્રીલંકની ટીમના એક પછી એક બેટ્સમેન આઉટ થઇ રહ્યા હતા ત્યાં બીજી તરફ કુસલ પરેરા ન્યુઝીલેન્ડના બોલર્સની ધોલાઈ કરી રહ્યો હતો. કુસલ પરેરાએ તાબડતોડ બેટિંગ કરતા વર્લ્ડકપ 2023ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો છે.

કુસલ પરેરાએ પોતાના નામે વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પરેરાના નામે હવે વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી ફાસ્ટ હાફસેન્ચુરી છે, આ પહેલા કેનેડાના જૉન ડેવિસને 2007ના વર્લ્ડકપમાં ગ્રોસ આઈલેટમાં ન્યૂઝીલેન્ડ સામે 23 બોલમાં હાફસેન્ચુરી ફટકારી હતી.

કુસલ પરેરા વર્લ્ડકપમાં શ્રીલંકા તરફથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર બેટ્સમેનોની લીસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે. આ સાથે જ તેણે દિનેશ ચંદિમલની બરોબરી કરી લીધી છે. શ્રીલંકા તરફથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી વર્લ્ડકપ 2015માં એન્જેલો મૈથ્યુઝે ફટકારી હતી. એન્જેલો મૈથ્યુઝે માત્ર 20 બોલમાં 50 રન બનાવી દીધા હતા.

કુસલ પરેરાએ ન્યુઝીલેન્ડ સામે 28 બોલ પર 2 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે માત્ર 22 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. જે વર્લ્ડકપ 2023માં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. પરેરાએ વર્લ્ડકપ 2023માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાના મામલે ટ્રેવિસ હેડ અને કુસલ મેંડિસને પાછળ છોડી દીધા છે. હેડ અને મેંડિસે આ વર્લ્ડ કપમાં 25-25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

શ્રીલંકા તરફથી વિશ્વકપમાં સૌથી ફાસ્ટ હાફસેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ એન્જેલો મેથ્યૂઝના નામે છે. તેણે 20 બોલમાં સ્કોટલેન્ડ સામે 2015માં સૌથી ફાસ્ટ ફિફ્ટી ફટકારી હતી. દિનેશ ચાંદીમલે 22 બોલમાં 50 રન કર્યા હતા. કુસલ મેન્ડિસે વિશ્વકપ 2023માં સાઉથ આફ્રિકા સામે 25 બોલમાં ફિફ્ટી મારી હતી.