દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો રજાઓમાં મંદિરે દર્શન કરવા તેમજ અન્ય જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. દિવાળીનાં તહેવારને અનુલક્ષીને હવે ગુજરાતના ઘણાં મંદિરોમાં પણ દર્શન, આરતી અને અન્નકૂટ જેવા પ્રસંગોનો સમય પણ બદલાયો છે. તેવામાં હવે ગુજરતાનાં પ્રસિદ્ધ મંદિરો, ચોટીલા, અંબાજી અને પાવાગઢ મંદિરમાં પણ દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચોટીલામાં આવેલ જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનાં મંદિરમા પણ દર્શન તેમજ આરતીનો સમય પણ બદલવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ તરફથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો હોવાની જાહેરાત કરાઈ છે.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા ચામુંડા માતાજીનાં મંદિરમાં દિવાળીથી લઈ લાભ પાંચમ સુધી દર્શન તેમજ આરતીનો સમય બદલાઈ ગયો છે. દિવાળીથી લઈને લાભ પાંચમનાં તહેવારોમાં એટલે કે તારીખ 13 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ચોટીલા મંદિરના પગથિયાના દ્વાર સવારે 4.00 વાગ્યે ખોલી નાખવામાં આવશે, એવું ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તારીખ 13 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ચામુંડા માતાજીની આરતીનો સમય સવારે 4.30 વાગ્યાનો રહેશે અને સંધ્યા આરતી તેના રાબેતા સમય મુજબ જ થશે તેના સમયમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે કાર્તિકેય પૂનમનાં દિવસે એટલે કે દેવ-દિવાળીનાં દિવસે મંદિરનાં પગથિયાંના દ્વાર 2.30 વાગ્યે ખુલી જશે અને માતાજીની સવારની આરતી સવારે 3.00 કલાકે કરવામાં આવશે એવું હાલ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આમ દિવાળીના દિવસોમાં ચોટીલા મંદિરના દર્શન અને દ્વાર ખુલવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની જાણકારી માતાજીના ભક્તોએ ધ્યાને રાખવી હિતાવહ છે.
યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સવારે 6થી સાડા છ વાગ્યા સુધી આરતી થશે. ત્યારબાદ પોણા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ ધરાયા બાદ બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે સવા ચાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. જે બાદ સાંજે સાડા વાગ્યાથી સાત વાગ્યા સુધી મા અંબાની આરતી ઉતારાશે અને બાદમાં 10 વાગ્યા સુધી ભક્તો માના દર્શન કરી શકશે. તો બેસતા વર્ષનાં દિવસે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.
યાત્રાધામ પાવાગઢમાં પણ દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. કાળી ચૌદશથી ભાઈબીજ એમ પાંચ દિવસ સુધી મંદિર સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવશે અને સાંજે સાડા સાત વાગ્યે મંદિર બંધ કરાશે. તહેવારોના દીવસોમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતો હોય છે ત્યારે દિવાળીને લઇને પાવાગઢ મંદિર ખાતે દર્શન કરવા ભારે ભીડ ઉમટી પડવાની શકતાથી ટ્રસ્ટ દ્ધારા માતાજીના મંદીર રોજ સવારે 6 વાગે ખુલતું હતું. તેના બદલે વહેલી સવારે 5 કલાકે મંદિર ખુલવાનો નિર્ણય લીધો છે.