ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝાદરાને રચ્યો ઈતિહાસ

afghanistan

વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન માટે સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો ઈબ્રાહિમ ઝાદરાન
વિરાટ કોહલનો રેકોર્ડ તોડ્યો, વનડે વર્લ્ડકપમાં સદી બનાવનાર ચોથો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો ઈબ્રાહિમ ઝાદરાન

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 2023માં શાનદાર ઈનિંગ રમતા અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન ઈબ્રાહિમ ઝાદરાને ધુઆંધાર બેટીંગ કરી 8 ચોગ્ગા અને 3 છગ્ગાની બદદથી અણનમ 129 રન બનાવ્યા હતા. આ સાથે જ ઝાદરાન વનડે વર્લ્ડકપમાં સેન્ચુરી બનાવનાર ચોથો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેણે 21 વર્ષ અને 330 દિવસની ઉંમરે આ કારનામું પોતાના નામે કર્યું છે.

અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન ઈબ્રાહિમ ઝાદરાને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 143 બોલમાં 8 ફોર અને 3 સિક્સરની મદદથી129 રન બનાવ્યા હતા. આ સાથે ઈબ્રાહિમ ઝાદરાન વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન માટે સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો છે. ઝાદરાનની આ ઈનિંગના કારણે અફઘાનિસ્તાને 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 291 રન બનાવ્યા હતા.

ઝાદરાને વર્લ્ડકપમાં પહેલી અને ઓવરઓલ પાંચમી વનડે સેન્ચુરી ફટકારી છે. તેણે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે વર્લ્ડકપમાં સેન્ચુરી ફટકારનાર પહેલો અફઘાની ક્રિકેટર બની ગયો છે. ઝાદરાને આ સાથે જ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો એક રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો છે. ઝાદરાન વનડે વર્લ્ડકપમાં સેન્ચુરી બનાવનાર ચોથો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેણે 21 વર્ષ અને 330 દિવસની ઉંમરે આ સદી ફટકારી છે. તો કોહલીએ 22 વર્ષ અને 106 દિવસની ઉંમરે 2011માં બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી હતી. તે સૌથી નાની ઉંમરે વિશ્વકપની મેચમાં સેન્ચુરી ફટકારનાર બેટ્સમેનની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

21 વર્ષીય ઝાદરાને વનડે ફોર્મેટમાં પ્રથમ સદી 6 જૂન 2022માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ફટકારી હતી. આ મેચમાં ઝાદરાને અણનમ 121 રન બનાવ્યા હતા. જે બાદ ઝાદરાને શ્રીલંકા વિરુદ્ધ પલ્લેકેલેમાં 106 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યુવા ઓપનર બેટ્સમેન આટલેથી અટક્યો નહીં. તેમણે ફરી પલ્લેકેલેમાં શ્રીલંકા વિરુદ્ધ દમદાર ઈનિંગ રમીને 162 રન બનાવ્યા હતા. ઝાદરાને ચોથી સદી ચટગાંવમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ફટકારી હતી. આ મેચમાં ઝાદરાને 100 રન બનાવ્યા હતા. જે બાદ ઝાદરાને આજે મુંબઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 143 બોલમાં અણનમ 129 રન બનાવ્યા છે.

વર્લ્ડકપમાં સૌથી નાની ઉંમરે સેન્ચુરી લગાડવાનો રેકોર્ડ આયરલેન્ડના પૉલ સ્ટર્લિંગના નામે છે. સ્ટર્લિંગે 20 વર્ષ અને 196 દિવસની ઉંમરે 2011માં નેધરલેન્ડ વિરુદ્ધ આવું કર્યું હતું. જે બાદ આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ આવે છે. તેણે 21 વર્ષ 76 દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારી હતી. તો શ્રીલંકાનો અવિષ્કા ફર્નાન્ડો ત્રીજા નંબરે છે. જ્યારે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર 22 વર્ષ 300 દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારી હતી, તે આ યાદીમાં છઠ્ઠા નંબરે છે.