- કણભામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સાસુએ પુત્રવધુને મારીને ટાંકીમાં નાંખી અને બાદમાં મોટર ચાલુ કરી હતી
- જમીનની લાલચમાં સાસુને પહેલી વહુ પાછી લાવવી હતી, જેથી બીજી વહુને કરંટ આપીને મારી નાંખી
અમદાવાદ જિલ્લાના કણભામાં રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જાણે કોઈ ફિલ્મની સ્ટોરી હોય તેવી મર્ડરની ઘટના છે. સાત કરોડની સાત વિઘા જમીનની લાલચમાં સાસુએ જ પુત્રવધુની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પહેલી પુત્રવધુને પરત લાવવા બીજી પુત્રવધુની કરી હત્યા સાસુએ કરીને ફિલ્મી સ્ટોરી બનાવી. જો કે ઘણીવાર ગુનેગારો દ્વારા ઘડી કાઢવામાં આવતી ખોટી વાર્તાઓને પોલીસ પોતાના અનુભવોથી પકડી પાડતી હોય છે. સાસુની બનાવેલી સ્ટોરી પર પોલીસને શંકા જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, અને સાસુનો ખેલ ખુલ્લો પડ્યો. અમદાવાદ જિલ્લાની પોલીસે વીણા ડાભીની વહુની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વટવામાં રહેતા નટુભાઈ પરમારે કણભા પોલીસ સ્ટેશનમાં દીકરી મિત્તલના સાસુ વીણા ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મિત્તલને છુટાછેડા થયા બાદ અમદાવાદના કણભા ગામના કિશન ડાભી સાથે પ્રેમ થયો હતો અને છ મહિનામાં જ બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ 29 ઓક્ટોબરના રોજ મિત્તલનું વીજ કરંટ લાગવાથી મોત થઈ ગયું હોવાનું તેના સાસુએ જણાવ્યું હતું. પરંતુ આ કરંટ લાગવાથી થયેલ મોત નહીં પણ સાસુએ જ કરેલી હત્યા હતી અને બાદમાં કરંટ લાગવાથી મોત થયું હોવાનું નાટક રચ્યું હતું. સાસુ વીણા ડાભીએ વહુની હત્યા કરીને એક ફિલ્મી સ્ટોરી બનાવી હતી. પણ આ સ્ટોરી લાંબી ના ચાલી. પોલીસે પાસે અને કાયદાના સકાંજામાં આખરે સાસુ આવી ગઈ.
કિશન ડાભીના પહેલા લગ્ન ભાવના નામની મહિલા સાથે જ્ઞાતિના રિતિરિવાજ મુજબ થયા હતા, પરંતું બે વર્ષના લગ્નના સમય ગાળામાં જ કિશન ડાભી અને ભાવના ડાભી અલગ થઈ ગયા હતા, પણ બંનેએ છૂટાછેડા આપ્યા નહોતા. ત્યાર બાદ કિશન ડાભીએ છ મહિનામાં જ મિત્તલ સાથે બીજા પ્રેમ લગ્ન કરી લીધા હતા. જો કે સાસુ વીણા ડાભીને આ પ્રેમ લગ્ન પસંદ ના હતા અને પહેલી પુત્રવધુ ભાવનાના પિયરમાંથી દીકરા કિશન ડાભીને સાત વિઘા જમીન મળવાની હતી. જેની કિંમત કરોડો રૂપિયામાં થવા પામે છે. ત્યારે આવામાં વીણા ડાભી લાલચી બની હતી, અને આ લંપટ સાસુની નજર જમીન પર હતી. વીણા ડાભીને જમીનની લાલચ જાગી હતી.
બીજી તરફ કિશનની બીજી પત્ની મિત્તલ કરિયાવર પેટે કંઈ પણ લાવી ન હતી, જે તેમને ખટકતું હતું. આ વાત મનમાં રાખીને સાસુ વીણા ડાભીએ મિત્તલની હત્યા કરી નાંખી હતી. સાસુ વીણા ડાભી જમીનની લાલચમાં તેની પહેલી પુત્રવધુ ભાવનાને પરત લાવવા માંગતા હતા. જેથી કાવતરું ઘડીને મિત્તલને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં તેને કરંટ લાગ્યો છે તેવા પુરાવા ઊભા કર્યા હતા અને પ્લાન બનાવીને હત્યાને અકસ્માતમાં મોત થયુ હોવાની કોશિષ કરી હતી. જો કે પોલીસને પહેલા દિવસથી શંકા હતી અને એ જ પ્રકારે તપાસ કરી રહી હતી. કે ફોરેન્સિક પોર્ટમોર્ટમમાં પુત્રવધુની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થતા સાસુના કાવરતાનો પર્દાફાશ થયો હતો. મર્ડર થીયરી પર કણભા પોલીસ તપાસ કરી રહી હતી અને આરોપી સાસુની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કર્યા પોતાની પુત્રવધૂની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ત્યારે કણભા પોલીસે ગણતરીના દિવસોમાં મિત્તલની હત્યાનું રહસ્ય ઉકેલીને સાસુ વીણા ડાભીની ધરપકડ કરી છે.
વીણાબેને પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ હત્યાના દિવસે તેઓ ખેતરનું કામ કરીને ઘરે પરત આવ્યા ત્યારે મિત્તલે જમવાનું બનાવ્યું ન હોવાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એ દરમિયાન ઉશ્કેરાયેલી વહુ મિત્તલે સાસુ વીણાબહેનને ઈંટ મારી હતી. પણ તેઓ ખસી જતા બચી ગયા હતા. બાદ વીણાબેને પણ તેને સામે ઈંટ મારી હતી જે મિત્તલને વાંગતા તે પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. એ દરમિયાન વીણાબેને તેને બીજી 4-5 ઈંટો છુટ્ટી મારી દીધી હતી અને પછી સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે પાણી ખેંચવાની ઈલેક્ટ્રીક મોટર ટાંકીમાં નાખી દીધી હતી અને બાદમાં પ્લગ ચાલુ કરીને પાણીમાં કરંટ આપ્યો હતો. એ રીતે તેમણે મિત્તલનું મોત કરંટ લાગવાથી થયું હોવાનું સાબિત કરી દીધું હતું.
ત્યાર બાદ વીણાબેનના પતિ રાજેશભાઇ ઘરે જમવા માટે આવ્યા ત્યારે વીણાબેને તેમના પતિને કહ્યુ કે, તમારે કામ પર જવાની શું જરુર હતી મિત્તલને મોકલી દો, તે કામ ચોર છે અને અહીયા દેખાતી નથી તેમ કહીને વીણાબેન શોધવા માટે નીકળ્યા હતા. એ પછી ઘરે પરત આવીને તેઓ પાણીની ટાંકી પાસે પહોંચ્યાં હતા અને ત્યાં મિત્તલને મૃત હાલતમાં જોતા બુમાબુમ કરીને લોકોને ભેગા કર્યા હતા. એ વખતે તેમણે રોકકળ કરીને પોતાના પર મોટું દુઃખ આવી પડ્યું હોય તેવું નાટક કર્યું હતું. જો કે કણભા પોલીસના પીએસઆઈ જે. યુ. કલોત્રાને ઘટના સ્થળે પહોંચીને પહેલી નજરે જ આ અકસ્માત નહીં પરંતુ હત્યાની ઘટના હોવાનું સમજાઈ ચૂક્યું હતું અને તેમણે એ દિશામાં જ તપાસ કરતા તેઓ સાચા પડ્યાં હતાં.
વધુ તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે, કણભા પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે વીણા ડાભીના બંને દીકરાના લગ્ન પહેલી પુત્રવધૂ ભાવના અને તેની નાની બહેન સાથે જમીનની લાલચમાં નક્કી કર્યા હતા. ત્યારે હાલ કણભા પોલીસે કળિયુગી સાસુ એવી વીણા ડાભીની ધરપકડ કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.