થાઈલેન્ડે ભારતીયો માટે શરૂ કરી વીઝા ઑન અરાઈવલ સુવિધા, 10 નવેમ્બરથી મે 2024 સુધી આ સુવિધા ચાલુ રહેશે
દિવાળીથી લઈને ડિસેમ્બર અંત સુધીમાં ભારતમાંથી વિદેશ પ્રવાસે જતા લોકોનો ભારે ઘસારો હોય છે. તેવામાં જે લોકો થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છે તે લોકો માટે સારા સમાચાર છે. તેમને હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. હવે ભારતીયો 30 દિવસ માટે વિઝા વિના જ થાઈલેન્ડ પ્રવાસ કરી શકશે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો માફ કરવામાં આવશે. રોયટર્સ મુજબ આ છૂટ આવતા મહિનાથી મે 2024 સુધી આપવામાં આવશે. એક સપ્તાહ અગાઉ શ્રીલંકાએ ભારતથી આવતા પર્યટકો માટે વિઝા મરજિયાત કર્યા હતા. અને હવે આજે થાઈલેન્ડે ભારત અને તાઈવાનથી આવતા પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી છે.
રોયટર્સ મુજબ 10 નવેમ્બરથી આ વિઝા ફ્રી મુસાફરીની સુવિધા શરૂ થશે અને આવતા વર્ષના મે મહિના સુધી આ સુવિધા મળતી રહેશે. થાઈલેન્ડની સરકાર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ વિઝામુક્તિ આપવામાં આવી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં થાઈલેન્ડે ચાઈનીઝ પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી દીધી હતી. હાલમાં થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ છે.
થાઈલેન્ડ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોન્કેએ કહ્યું હતું કે, “ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશ કરી શકે છે.” થાઈલેન્ડ પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમો છૂટ આપવાની શક્યતા શોધી રહ્યું છે, જેમાં વિઝા માફી અને પ્રવાસીઓ માટે રોકાણનો સમયગાળો લંબાવવાનો સમાવેશ થાય છે.
સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીથી 29 ઓક્ટોબર સુધીમાં કુલ 2.2 કરોડ પ્રવાસીઓ થાઈલેન્ડ આવ્યા હતા. આ પર્યટકોએ દેશની અર્થવ્યવસ્થામાં 25 અબજ ડોલરથી વધુનું યોગદાન આપ્યું છે. થા આ વર્ષે ભારતમાંથી લગભગ 12 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ આવ્યા છે. હાલમાં ભારતના પ્રવાસીઓએ 2 દિવસના થાઈલેન્ડ વિઝા માટે 2000 ભાટ (લગભગ 57 ડોલર) ચૂકવવા પડે છે. થાઈલેન્ડની નવી સરકાર આવતા વર્ષે વિદેશી પ્રવાસીઓની આવક વધારીને 3.3 ટ્રિલિયન ભાટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. જેમાં પ્રવાસ ઉદ્યોગ શ્રેષ્ઠ ટૂંકા ગાળાના આર્થિક પ્રોત્સાહન પ્રદાન કરે છે. બેંક ઓફ થાઈલેન્ડના ડેટા મુજબ પ્રવાસન જીડીપીમાં લગભગ 12% અને નોકરીઓમાં લગભગ પાંચમા ભાગનું યોગદાન આપે છે.
થાઈલેન્ડ ભારતીય ફોરેન વિઝીટર માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. ખાસ કરીને આ દેશ યુવા વર્ગની પ્રિય જગ્યાઓમાંથી એક છે. અહીં ફરવા માટે ઘણા નામચીન શહેરો છે. તમે બેંગકોક, ફૂકેટ, પતાયા, ચિયાંગ મે, ફિફી આઇલેન્ડ, ક્રાબી, અયુથયા, કોહ તાઓ અને હુઆ હીન જેવા શહેરોની મુલાકાત લઈ શકો છો. આ એક ટાપુ દેશ છે તેથી અહિં સમુદ્ર અને બીચની મજા અનેરી રહેશે.
કેટ ટૂરિઝમ એસોસિએશનના પ્રમુખ થાનેથ તાંતીપિરિયાકિજે ઓગસ્ટમાં બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ચીન અને ભારતના મુલાકાતીઓને વિઝા મુક્તિ આપવાની સરખામણીમાં અરજી ફી નાબૂદ કરવી આદર્શ રહેશે.
રોઇટર્સના રિપોર્ટ અનુસાર ભારતથી થાઇલેન્ડ જતા પ્રવાસીઓનો પ્રવાહ મજબૂત છે. એરલાઇન્સ અને હોસ્પિટાલિટી ચેઇન્સ પણ આ માર્કેટને ટાર્ગેટ કરી રહી છે. સરકારનું લક્ષ્ય છે કે આ વર્ષે દેશમાં 2.8 કરોડ પ્રવાસીઓ આવકારવા છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પ્રવાસન ક્ષેત્રની આ તેજી સતત નબળી નિકાસને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે તેથી, થાઈલેન્ડ વિઝાની જરૂરિયાતોને વધુ હળવી કરીને વધુ પ્રવાસીઓને આકર્ષવા માંગે છે.