વર્લ્ડ કપ 2023: ભારત vs ઈંગ્લેન્ડ: શમીએ 7 ઓવરમાં 4 વિકેટ ઝડપી બન્યો વર્લ્ડ કપ ઈતિહાસનો બેસ્ટ બોલર

shami1

વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી 20 વિકેટ લેનાર બોલરોમાં સામેલ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. રવિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતની આ જીતમાં ફાસ્ટ બોલરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે 3 જયારે મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ શમી વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં બેસ્ટ બોલર બની ગયો છે.

મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી

મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડ સામે 7 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન શમીએ તેની પહેલી અને ત્રીજી ઓવરમાં સતત 13 ડોટ બોલ ફેંકી 2 વિકેટ પણ ઝડપી હતી. તેણે પહેલા સ્ટોક્સને અને પછી બેયરસ્ટોને બોલ્ડ કર્યો હતો. શમીએ તેની 7 ઓવરમાં 5.3 ઓવર ડોટ ફેંકી હતી.

શમી વર્લ્ડ કપ ઈતિહાસનો બેસ્ટ બોલર
મોહમ્મદ શમીની આ વન-ડે વર્લ્ડ કપ 2023માં બીજી મેચ હતી. તેણે 2 મેચમાં કુલ 9 વિકેટ ઝડપી છે. શમીએ આ 9 વિકેટ સાથે વન-ડે વર્લ્ડ કપમાં કુલ 39 વિકેટ ઝડપી છે. શમીએ વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ 13 મેચ રમી છે. આ 13 મેચમાં જ તે વન-ડે વર્લ્ડ કપ ઈતિહાસનો બેસ્ટ બોલર બની ગયો છે. વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી 20 વિકેટ લેનાર બોલરોમાં શમીની એવરેજ 14.07 અને સ્ટ્રાઈક રેટ 16.97ની છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં આ કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.