બીજા રાજ્યમાં જતી બસોને અન્ય રૂટ પરથી લઈ જવાની સલાહ
આ રાજ્યમાંથી આવતી ડિઝલ બસોથી દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છેઃ ગોપાલ રાય
દિલ્હીમાં રોજબરોજ પ્રદૂષણ વધી રહ્યું છે, ઉપરાંત દિવાળી નજીક આવતા હવા વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દિલ્હીના એર ક્વોલિટી પણ ખુબ જ ખરાબ કેટેગરીમાં છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં દિવાળી પહેલા પ્રદૂષણ પર કાબુ મેળવવા મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે પ્રદૂષણના નામે 1 નવેમ્બર, 2023થી હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની ડીઝલ બસોને દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. ઉપરાંત કેજરીવાલની સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ડિઝલ બસો અન્ય રૂટ પરથી લઈ જવાની પણ અન્ય રાજ્યોને સલાહ આપી છે. દિલ્હી સરકારનાં આ નિર્ણયનાં વિરોધમાં ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન આવતીકાલે એટલે કે સોમવારે બપોરે 11 વાગ્યે જંતર-મંતર પર મોટો વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.
ગોપાલ રાયે તાજેતરમાં જ કહ્યું હતું કે, વાહનોના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. દિલ્હીમાં હાલ CNG બસો દોડાવાઈ રહી છે. દિલ્હીમાં 800થી વધુ ઈલેક્ટ્રીક બસો દોડાવાઈ રહી છે. જોકે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન થી આવતી BS III અને BS IV ડિઝલ બસો એનસીઆર વિસ્તારોમાંથી આવતી હોવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ગોપાલ રાયે અગાઉ કેન્દ્ર સરકારે અપીલ કરી હતી કે, તેઓ NCR હેઠળના વિસ્તારો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની BS III અને BS IV બસો પર પ્રતિબંધ ફરમાવે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી 15 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને અમે તેના માટે તૈયારી કરી રહ્યા છીએ. દિલ્હીના તમામ ઔદ્યોગિક એકમોમાં પ્રદૂષણ ફેલાવતા ઈંધણને કુદરતી ગેસમાં બદલી દેવામાં આવ્યા છે. કોઈ પ્રદૂષિત ઈંધણનો ઉપયોગ કરી રહ્યું છે કે કેમ તેની દેખરેખ રાખવા માટે અમે ટીમો બનાવી છે. ‘રેડ લાઈટ ઓન, એન્જિન ઓફ’ ઝુંબેશ એક સ્વૈચ્છિક અભિયાન છે. મારી દિલ્હીના લોકોને અપીલ છે કે રેડ સિગ્નલ પર તેમની ગાડી ઊભી હોય તો તેઓ પોતાના વાહનનું એન્જિન બંધ રાખે.
1 નવેમ્બરથી, પરિવહન વિભાગની ટીમ દિલ્હીની તમામ બોર્ડર પર ચેકિંગ કરશે જ્યાંથી આંતરરાજ્ય બસો દિલ્હીમાં પ્રવેશ કરે છે. બોર્ડર પરથી, ફક્ત ઇલેક્ટ્રિક CNG અથવા BS6 ડીઝલ એન્જિન ચાલશે. બસ સ્ટેન્ડ અને જે જગ્યાએથી ખાનગી બસ ઓપરેટરો બસ ચલાવે છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ બસ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળશે તો તેને જપ્ત કરવામાં આવશે.
1 નવેમ્બરથી, હરિયાણાના કોઈપણ શહેર અથવા નગરમાંથી ચાલતી કોઈપણ રોડવેઝ બસ ફક્ત ત્યારે જ દિલ્હીમાં પ્રવેશ કરી શકશે જો તે ઇલેક્ટ્રિક, CNG અથવા BS6 અને ડીઝલ BS6 અને ડીઝલ એન્જિન પર ચાલશે. તેવી જ રીતે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી આવતી બસો પર પણ આ પ્રતિબંધ લાગુ પડશે. આ નિર્ણય માત્ર સ્ટેટ રોડવેઝની બસો પર જ નહીં પરંતુ તમામ ખાનગી ઓપરેટરો અને રાજ્ય PSUની બસો પર પણ લાગુ થશે. પરિવહન વિભાગે તેના પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે CAQMની આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટનું કહેવું છે કે હાલમાં તો દિલ્હીમાં BS-4ની ડીઝલ બસો બંધ કરવામાં આવી છે. અને બાદમાં તેઓ સમગ્ર ભારતમાં ડીઝલ BS-4 ટેક્સી બસો બંધ કરવા જઈ રહ્યા છે. ભારતભરના ટેક્સી-બસ માલિકો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીથી પીડાયા રહ્યા છે, ત્યારે દિલ્હી સરકાર ઇલેક્ટ્રીક અને સીએનજી કે BS-6 બસોને પ્રાથમિકતા આપવા માગે છે. દિલ્હી સરકાર પ્રદૂષણના નામે બસ માલિકોને નિશાન બનાવી રહી છે. ગયા વર્ષે પણ ડીઝલથી ચાલતી ટેક્સી અને બસો પાસેથી સરકારે દંડ વસૂલ કર્યો હતો, પણ દિલ્હી સરકાર ડીઝલ ટ્રકો પર પ્રતિબંધ નથી મૂકતી.
સંજય સમ્રાટનું કહેવું છે કે ઘણા વાહન માલિકોએ 2019માં BS-4ની ડીઝલ બસો ખરીદી હતી અને ત્યાર બાદ કોરોનાને લીધે આ બસો ધૂળ ખાતી પડી રહી અને હવે તેમની બસો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે આ વાહનોનું શું થશે? અમે આ હપ્તા ક્યાંથી ભરીશું? સંજય સમ્રાટે દિલ્હીના એલજીને પત્ર લખીને BS-4 ડીઝલ બસોના પ્રવેશ પર પ્રતિબંધ પર પુનઃ વિચાર કરવા અપીલ કરી છે. દિલ્હી સરકારના આ નિર્ણયને કારણે રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ટ્રાન્સપોર્ટરોની ડીઝલ બસો દિલ્હી એનસીઆરમાં આવી શકશે નહીં. હજારો બસ માલિકો ટ્રાન્સપોર્ટને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના લાખો ડ્રાઇવરો છે અને તેમના કારણે કરોડો પરિવારો ટકી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટનું કહેવું છે કે જો પ્રદૂષણનો સવાલ છે તો પંજાબ, હિમાચલ, ચંદીગઢ, જમ્મુ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની BS-4 ડીઝલ બસોને શા માટે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. શું આ 3 રાજ્યોની ડીઝલ બસો ધુમાડો નથી કાઢતી અને પ્રદૂષણ નથી ફેલાવતી? શું એમની બસો ઓક્સિજન આપશે? સંજય સમ્રાટની માંગ છે કે BS-4 ડીઝલ ઓલ ઈન્ડિયા ટુરીસ્ટ પરમીટ ટુરીસ્ટ બસોને જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચાલવા દેવી જોઈએ. કારણ કે આ લોકોની રોજીરોટીનો પ્રશ્ન છે.