ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું
વર્લ્ડ કપ 2023ની 27મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 5 રનથી હરાવી દીધું છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.2 ઓવરમાં 388 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 383 રન બનાવ્યા હતા. જેથી તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની આ સતત ચોથી જીત છે. 6 મેચમાં તેના 8 પોઈન્ટ થઈ ગયા છે. તો વળી ન્યૂઝીલેન્ડી આ સતત બીજી હાર છે. તેની પણ 6 મેચમાં 8 પોઈન્ટ છે. હવે પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ લગભગ સરખી છે.
ધર્મશાલામાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે શાનદાર રમત રમી હતી. વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા હેડે 67 બોલમાં 109 રન બનાવ્યા જેમાં સાત છગ્ગા અને 10 ચોગ્ગા સામેલ હતા.જ્યારે ડેવિડ વોર્નરે 65 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. વોર્નર-હેડે પ્રથમ વિકેટ માટે 19.1 ઓવરમાં 175 રન જોડ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રે સદી ફટકારી હતી. 24 વર્ષીય આ ખેલાડી વર્લ્ડ કપમાં બે સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટર બન્યો છે. આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આજે રચિન રવીન્દ્રે 89 બોલમાં 116 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપે 10 ઓવરમાં ફક્ત 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. ટ્રેંટ બોલ્ટે 77 રન આપીને 3 વિકેટ લીધી હતી.
કેમરુન ગ્રીનની જગ્યાએ ટીમમાં સામેલ હેડને 70 રનના સ્કોર પર જીવનદાન પણ મળ્યું. મિશેલ સેંટનરે તેનો આસાન કેચ પાડી દીધો. તેના પાંચ રન બાદ રચિન રવિન્દ્રના બોલ પર જોરદાર ફટકો ગ્લેન ફિલિપ્સના હાથમાંથી નીકળી ગયો. આ બે અવસર ઉપરાંત હેડ અને વોર્નર ક્રીઝનો શાનદાર ઉપયોગ કરવા જોવા મળ્યા.
ઓસ્ટ્રેલીયાના બેટ્સમેને 2 બોલ પર કુલ 21 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની જ્યારે બે લીગલ બોલ પર કુલ 21 રન બનાવ્યા. આ ઘટના ત્રીજી ઓવરમાં બની હતી. થયું એવું કે એ ઓવરમાં ડેવિડ વોર્નરે મેટ હેનરીના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી હેનરીએ નો-બોલ નાખ્યો જેના પર એક રન થયો.
ત્યારબાદ હેડે ફ્રી-હિટ બોલ પર સિક્સર ફટકારી હતી, જોકે તે દરમિયાન પણ હેનરી ઓવરસ્ટેપ થઈ ગયો હતો.પછી હેનરીએ ફેંકેલા આગલા ફ્રી-હિટ બોલ પર હેડે પણ સિક્સર ફટકારી. એટલે કે બે લીગલ બોલ પર કુલ 21 રન બનાવ્યા હતા.