અરબ દેશો ઇઝરાયલના વિરોધમાં, પરંતુ પેલેસ્ટિનિયનોને શરણ આપવા તૈયાર નથી
સાતમી ઓક્ટોબરે ઇઝરાયલ પર આતંકી સંગઠન હમાસે હુમલો કર્યા બાદથી ઇઝરાયલે ગાઝા પટ્ટી પર સતત હવાઇ હુમલાઓ કરીને વિશ્વના દેશોની ચિંતા વધારી દીધી છે., જેના કારણે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હમાસનો અંત કરવાનું નક્કી કરેલ ઇઝરાયેલ, ગાઝા પટ્ટી પર સતત હુમલાઓ કરી રહ્યું છે. જેથી ગાઝા પટ્ટીના લોકો પાસે આ હુમલાઓથી બચીને ભાગવાનો એક પણ રસ્તાો નથી. ગાઝા પટ્ટીની એક તરફ સમુદ્ર છે અને બીજી ત્રણેય બાજુ જમીનથી લોક છે. ગાઝાની એક બોર્ડર ઈજીપ્ત સાથે છે. જયારે અન્ય બે બોર્ડર ઇઝરાયેલ સાથે અને અન્ય એક તરફ ભૂમધ્ય સાગર આવેલો છે. આથી ત્યાના લોકો પણ આ યુદ્ધનો ભોગ બની રહ્યા છે.
આ યુદ્ધમાં દરેક દેશ પેલેસ્ટાઇનને સહાનુભુતિથી જોવે છે અને તેમની સાથે છે. આ હુમલાઓ પછીથી જ દુનિયાભરમાં આ ચર્ચાઓ ચાલે છે કે અરબ દેશોને પેલેસ્ટાઇનની આટલી ચિંતા છે તો તેઓ લોકોને તેમના દેશમાં શરણ શા માટે નથી આપતા? પડોસી દેશ ઈજીપ્ત અને જોર્ડન ઈચ્છે તો પેલેસ્ટાઇનના લોકોને શરણ આપી શકે છે. પરતું જયારે તેમને શરણ આપવાની વાત આવે છે તો કોઈ પણ દેશ તેના હાથ પાછા ખેચી લે છે. તો ચાલો જાણીએ કે આ દેશો શા માટે પેલેસ્ટાઇનના લોકોને શરણ આપતા નથી.
ઇઝરાયલે ઉત્તર ગાઝાના 11 લાખ લોકોને વિસ્તારો ખાલી કરવા માટે કહ્યું છે. ત્યારબાદ હજારો પેલેસ્ટિનિયનો ગાઝામાંથી નિકળવા માટે ઇજિપ્તની સરહદ પર રાફેહ બોર્ડરના ખુલવાની રાહ જોઇ રહ્યા છે. જો કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તેહ અલ સિસીએ કહ્યું છે કે અમે પેલેસ્ટિનિયનોને પોતાના દેશમાં પ્રવેશ આપવા તૈયાર નથી. સિસીનુ કહેવુ છે કે ઇઝરાયલનો હેતુ પેલેસ્ટિનિયન લોકોને ઇજિપ્તમાં ઘુસાડવાનો છે, પરંતુ ઇજિપ્ત ઇઝરાયલની ચાલને સફળ થવા દેશે નહીં. કારણ કે આના કારણે સમગ્ર ક્ષેત્રની શાંતિ ભંગ થઇ જશે. બીજી બાજુ વેસ્ટ બેંક સાથે જોડાયેલા જોર્ડને પણ પેલેસ્ટિનિયન લોકોને શરણ આપવાનો ઇન્કાર કરી દીધો છે.
પેલેસ્ટાઇનના લોકો લાંબા સમયથી વિસ્થાપિત છે. જ્યારે ઇઝરાયેલની રચના થઇ ત્યાર પછીથી 7.5 લાખ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત થવું પડ્યું હતું. ત્યારબાદ 1967ના યુદ્ધમાં ઈઝરાયેલે ગાઝા અને વેસ્ટ બેંક પર કબજો કર્યો, જેના કારણે ત્રણ લાખ પેલેસ્ટિનિયનો વિસ્થાપિત થયા, જેમાંથી મોટાભાગના જોર્ડન ગયા. આજે તેમની સંખ્યા 60 લાખ સુધી પહોંચી ગઈ છે. તેમાંથી મોટાભાગના વેસ્ટ બેંક, ગાઝા, લેબનોન, સીરિયા અને જોર્ડન જેવા દેશોમાં કેમ્પમાં રહે છે. તેમાંથી કેટલાક પશ્ચિમી દેશોમાં પણ ગયા. ઈઝરાયેલ હવે આ શરણાર્થીઓને તેમના ઘરે પરત જવા દેતું નથી. જ્યારે પણ શાંતિ સમજૂતીમાં આ પેલેસ્ટિનિયનોના સમાધાનની વાત થાય છે, ત્યારે ઇઝરાયેલ તે બાબતનો ઇનકાર કરે છે. તેમનું કહેવું છે કે આના કારણે તેમના દેશમાં યહૂદી બહુમતી વસ્તી જોખમમાં આવી જશે.
ઈઝરાયેલી સેનાએ એવું કહ્યું છે કે જેટલા પણ લોકો યુદ્ધ શરુ થયા બાદ ભાગીને ગાઝાના ઉત્તરી ભાગમાંથી દક્ષિણી ભાગમાં ગયા છે તેમને યુદ્ધ પૂરું થયા બાદ પાછા આવવાની તક મળશે. જો કે અરબ દેશોને ઈઝરાયેલની આ વાત પર ભરોસો નથી. ઇજિપ્ત સહિતના આરબ દેશોને લાગે છે કે જો તેઓ ગાઝાના પેલેસ્ટિનિયનોને શરણ આપશે તો શાંતિ સ્થાપિત થયા બાદ ઇઝરાયેલ તે લોકોને ગાઝા પાછા ફરવા દેશે નહીં. ઇજિપ્ત સહિત ઇઝરાયેલના ઘણા પડોસી દેશોમાં પહેલાથી જ ઘણા શરણાર્થીઓ વસે છે. જેના કારણે જ તેઓ વધુ શરણાર્થીઓને શરણ આપી શકે તેમ નથી. ઉપરાંત તેમની આર્થિક સ્થિતિ પણ એ હાલતમાં નથી.
ઇઝરાયલનુ કહેવુ છે કે લોકો દક્ષિણમાં જતા રહે, પરંતુ ઇજિપ્તને વિશ્વાસ નથી. અરબ દેશ અને અન્ય ઘણા પેલેસ્ટાઈનીઓ એવું પણ માને છે ઇઝરાયેલ ગાઝા, વેસ્ટ બેંક અને પૂર્વી જેરુસલેમથી પેલેસ્ટાઈનીઓને હટાવીને સ્વતંત્ર દેશ બનાવવાની તેમની માંગને સમાપ્ત કરી શકે છે. ઇઝરાયલ પેલેસ્ટિનિયન લોકોને દેશની બહાર કરીને હમેંશ માટે ડેમોગ્રાફી બદલવા ઇચ્છુક છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સિસીએ કહ્યું છે કે ગાઝામાંથી પલાયન કરવાનો હેતુ પેલેસ્ટાઇનની માંગને સમાપ્ત કરવાનો છે. જ્યારે પેલેસ્ટાઈનીઓ હવે વેસ્ટ બેંક અને ગાઝામાં નહીં રહે, ત્યારે તેમના માટે અલગ દેશ બનાવવાની માંગ પણ અટકાવી દેવામાં આવશે.
ગાઝાથી મોટી સંખ્યામાં પલાયન કરવાના કારણે ઈજીપ્તને એ વાતનો પણ ડર છે કે ક્યાંક હમાસના લડાકુઓ તેમના દેશમાં ન આવી જાય. દશકો સુધી આતંકીઓ સામે લડીને શાંતિ સ્થાપિત કરતા આ વિસ્તારમાં શરણના કારણે ઈજીપ્તનો સિનાઈ વિસ્તાર અસ્થિર ન થઇ જાય. ઈજીપ્ત પહેલા પણ હમાસ પર આરોપ લગાવી ચુક્યું છે કે આતંકીઓ સાથેની લડાઈમાં તેને આતંકીઓની મદદ કરી હતી. જેથી બંને દેશો વચ્ચેના સંબંધ ખરાબ છે.
આ સિવાય ઈજીપ્તને એ વાતની પણ ચિંતા છે કે જો પેલેસ્ટિનિયનો ત્યાં શરણ લઈને રહે છે તો હમાસની સેના અહીંથી ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. જેન કારણે ઇઝરાયેલ અને ઈજીપ્તના સંબંધો પર અસર પડી શકે છે. ઇઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે 1979માં શાંતિ કરાર થયો હતો. સિનાઈ એ વિસ્તાર છે કે જ્યાં પેલેસ્ટિનિયનો ત્યાં રહેવાણી વાત કરવામાં આવે છે. પણ એ વાતનો પણ દર છે કે હમાસ આ વિસ્તારને પોતાની બેઝ બનાવી શકે છે.