ભારતીય શેરબજારમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી
ઈઝરાયલ હમાસની યુદ્ધની અસર માર્કેટ પર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બજારમાં વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, રોકાણકારો દ્વારા વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 232 પોઈન્ટના ઘટાડા સાથે 65,397 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82 પોઈન્ટના ઘટાડા સાથે 19,543 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે સતત ત્રીજા દિવસે બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે.સેન્સેક્સ-નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. રિયલ્ટી, ઈન્ફ્રા અને ઓટો શેર્સમાં દબાણ હતું. મેટલ, એફએમસીજી, ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો. ITC, Divis Labs, HUL, BPCL અને Tata Stee નિફ્ટીના સૌથી વધુ ઘટાડા વાળા શેર હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક, TCS, SBI લાઇફ ઇન્સ્યોરન્સ અને નેસ્લે ઇન્ડિયા નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. કારોબારના અંતે સેન્સેક્સ 231.62 પોઈન્ટ અથવા 0.35 ટકાના ઘટાડા સાથે 65,397.62 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 82.05 પોઈન્ટ અથવા 0.42 ટકાના ઘટાડા સાથે 19542.65 ના સ્તર પર બંધ થયો હતો.
એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઈન્ફ્રા, બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા તેમજ ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો પણ ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શૅરમાંથી 8 શૅર ઉછાળા સાથે અને 22 શૅર ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શૅરમાંથી 15 શૅર ઉછાળા સાથે અને 35 શૅર ઘટાડાની સાથે બંધ થયા. તેવામાં હાલમાં ભારતીય શેરબજારમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.