તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના રંગપાલયમ અને શિવકાશી વિસ્તારમાં બની ઘટના
ફટાકડાના સેમ્પલના ટેસ્ટિંગ દરમિયાન ઘટના બની : મૃતકોમાં 9 મહિલાઓ પણ સામેલ
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટ્રીમાં આગ લાગવાથી 11 લોકોના મોત થવાની ઘટના સામે આવી છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના રંગપાલયમ અને શિવકાશી વિસ્તારમાં 2 ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે, જેમાં 9 મહિલા સહિત 11 લોકોના મોત થયા છે, જ્યારે 2 ઈજાગ્રસ્ત થયા છે. મળતા અહેવાલો મુજબ ફટાકડાના સેમ્પલનું ટેસ્ટિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે જણાવ્યું કે, શિવકાશીની ફટાકડા ફેક્ટરીમાં અચાનક થયેલા વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે 7 સળગેલા મૃતદેહો મળ્યા છે અને હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસને શ્રમિકોના મોત થયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, કમ્માપટ્ટી ગામમાં પણ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આગ લાગવાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તેમજ બચાવ કાર્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ સ્થાનિક લોકો સાથે મળીને આગ પર કાબુ મેળવવા અને પીડિતોને બચાવવાના પ્રયાસો કરી રહી છે. ફેક્ટરીઓ પાસે માન્ય લાયસન્સ હતું કે નહીં, તેની તપાસ ચાલી રહી છે. તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે. આ મામલામાં ફાયર એન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે વિરૂધુનગર જિલ્લાના કમ્માપટ્ટી ગામ પાસે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો.
આ પહેલા 9 ઓક્ટોબરે પણ તમિલનાડુના અરિયાલુર ફટાકડા યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા, જેમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના વેત્રીયુર મદુરા વિરાગુલર ગામમાં બની હતી. આ કેસમાં ફેક્ટરીના માલિક રાજેન્દ્ર અને તેમના જમાઈ અરુણ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે દિવાળીના કારણે 30 અન્ય કામદારોને રાખવામાં આવ્યા હતા, જેઓ ઓવરટાઇમ કામ કરી રહ્યા હતા.