વર્લ્ડ કપ 2023ની ભારત-પાકિસ્તાનની મેચ આવતી 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી છે. આ હાઈ વોલ્ટેજ મેચને લઇને ક્રિકેટ રસિકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ મેચને લઇને લોખંડી બંદોબસ્ત પણ પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે. ગઇકાલે પાકિસ્તાનની ટીમ આવ્યા બાદ આજે ભારતની ટીમનું અમદાવાદમાં આગમન થયું છે. સમગ્ર ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બાદમાં બસમાં બેસી ટીમ ITC નર્મદા હોટલ પહોંચી છે. ફેવરીટ પ્લેયર સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા ક્રિકેટ રસિકોએ પડાપડી કરી હતી. .
ગઇકાલે અફઘાનિસ્તાન સામે વિજય મેળવ્યા બાદ આજે બપોરે ટીમ ઇન્ડિયાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. ભારતીય ક્રિકેટર્સની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો ઉમટી પડ્યા છે. ભારતીય ટીમ બોડકદેવમાં આવેલી ITC નર્મદા હોટલમાં રોકાવાની છે. જ્યાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન સામે મેદાને જંગમાં ઉતર્યા પહેલા આવતીકાલે નેટ પ્રેક્ટિસ કરવામાં આવશે. 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવામાં આવશે. ભારતીય ટીમનો સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ગઈકાલે જ અમદાવાદ આવી ગયો હતો.
ભારતીય ટીમની પ્રથમ 2 મેચમાં જીત થઈ હતી. જેથી ભારતીય ટીમ 14 ઓક્ટોબરે પાકિસ્તાનને હરાવીને પોતાની જીતનો સિલસિલો યથાવત્ રાખશે. આ માટે ભારતીય ટીમ આવતીકાલે નેટ પ્રેક્ટિસ કરશે અને 14 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.