સિક્કિમમાં વાદળ ફાટતાં તિસ્તા નદીમાં આવેલ પૂરનાં કારણે 7000 લોકો ફસાયા, IAFએ હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ શરૂ કર્યું

sikkim

60 મીટર ઊંચો ડેમ માત્ર 10 સેકન્ડમાં તૂટી ગયો, 7 જવાન સહિત 21નાં મોત, 118 હજુ પણ ગુમ

સિક્કિમમાં લહોનક સરોવર પર વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. 3 ઓક્ટોબરે વાદળ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં આવેલા પૂરના કારણે અત્યાર સુધીનો મૃતકાંક 21એ પહોંચી ગયો છે. મૃતકોમાં 7 જવાન પણ સામેલ છે. પ્રશાસનના જણાવ્યા પ્રમાણે મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. IAFએ હેલિકોપ્ટરથી બચાવ કામગીરી શરૂ કરી છે.

વાદળ ફાટવાના કારણે પશ્ચિમ બંગાળના કલિમ્પોંગમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ કહ્યું- તિસ્તા બેરેજમાંથી ત્રણ શબ મળી આવ્યાં છે. હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમની સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સાથે વાત કરી હતી. તેમને મદદની ખાતરી આપી હતી. બુરદાંગ વિસ્તારમાંથી ગુમ થયેલા 23 સેનાના જવાનોમાંથી 7ના મૃતદેહ નદીના નીચેના વિસ્તારોમાંથી મળી આવ્યા છે. ગુમ થયેલા સૈનિકોમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો. 15 સૈનિકો સહિત કુલ 118 લોકો હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે NDRF, SDRF અને એરફોર્સના હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે. આર્મી અને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા દરેકને બહાર કાઢવામાં આવશે.

સિક્કિમના મુખ્ય સચિવ વિજય ભૂષણે કહ્યું કે, પૂરના કારણે 7 હજાર લોકો હાલમાં વિવિધ વિસ્તારોમાં ફસાયેલા છે. જેમાં લાચેન અને લાચુંગમાં જ લગભગ 3 હજાર લોકો ફસાયેલા છે. લાપતા લોકોમાં ભારતીય સેનાના 22 જવાન પણ સામેલ છે. આ લોકોને શોધવા માટે તીસ્તા નદી અને ઉત્તર બંગાળના નીચલા હિસ્સામાં બચાવકાર્ય ચાલી રહ્યું છે. પાક્યોંગના જિલ્લા મેજિસ્ટ્રેટ તાશી ચોપેલે તમામ જવાનોના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે અત્યાર સુધી 2011 લોકોને બચાવી લેવાયા છે. સિક્કિમના રંગપોમાં મકાનો કાટમાળથી ભરેલાં છે. વીજળી ડૂલ થઈ ગઈ છે. સેંકડો ગામોનો મુખ્ય માર્ગોથી સંપર્ક કપાઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં બે કલાકમાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દિખ્ચુ, સિંગતમ અને રંગપો શહેરો ડૂબી ગયાં છે. પૂરના કારણે સિક્કિમને દેશ સાથે જોડતો નેશનલ હાઈવે NH-10 પણ ધોવાઈ ગયો હતો. રાજ્ય સરકારે આ ઘટનાને આપત્તિ જાહેર કરી છે.

સિક્કિમના ચાર જિલ્લા – મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી – પૂરને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. અહીં 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 2 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહીં 26 રાહત શિબિરો બનાવવામાં આવી છે. આ ચાર જિલ્લામાં પાણીની પાઈપલાઈન, ગટરલાઈન અને 250થી વધુ મકાનોને નુકસાન થયું છે. 11 પુલ ધરાશાયી થયા છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાની સૂચના આપી છે.

નેપાળમાં 3 ઓક્ટોબરે એક કલાકમાં ચાર ભૂકંપ આવ્યા હતા. જેમાંથી એક 6.2 તીવ્રતાનો હતો. વૈજ્ઞાનિકોને આશંકા છે કે નેપાળમાં આવેલા ભૂકંપને કારણે સિક્કિમનું લોનાક તળાવ ઘટી ગયું છે. તેનો વ્યાપ ઘટીને એક તૃતીયાંશ થઇ ગયો હતો. જ્યારે વાદળ ફાટ્યું ત્યારે તળાવ એટલું પાણી સંગ્રહ કરી શક્યું નહીં. જેના કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. નદીના જળસ્તરમાં 15થી 20 ફૂટનો વધારો થયો છે. નદીને અડીને આવેલા વિસ્તારમાં આર્મી કેમ્પ હતો જે પૂરમાં ધોવાઈ ગયો હતો અને ત્યાં પાર્ક કરેલાં 41 વાહનો ડૂબી ગયાં હતાં. પૂરનાં કારણે માત્ર 10 સેકન્ડમાં, 13,000 કરોડ રૂપિયાના તિસ્તા-3 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો 60-મીટર ઊંચો ડેમ લોનાક તળાવના પૂરથી સંપૂર્ણપણે ધોવાઇ ગયો હતો.

સંશોધકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે બે વર્ષ પહેલાં ચેતવણી આપી હતી કે સિક્કિમમાં સાઉથ લેક ભવિષ્યમાં ફાટી શકે છે અને નીચાણવાળા વિસ્તારને તબાહ કરી શકે છે. આ દરમિયાન, રાજ્ય સરકારે તિસ્તા બેસિનના કિનારે મળી આવેલા સંભવિત વિસ્ફોટકો અને દારૂગોળો વિશે સ્થાનિક લોકોને ચેતવણી આપી છે. આ ચેતવણી કહે છે કે આ દારૂગોળાથી દૂર રહો. આ વિસ્ફોટ કરી શકે છે. જો તમે આવાં સાધનો જુઓ તો તરત જ જાણ કરો.

2021માં, આંતરરાષ્ટ્રીય સંશોધકો દ્વારા એક અભ્યાસ બહાર આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સિક્કિમનું દક્ષિણ લોનાક તળાવ ગમે ત્યારે ફાટી શકે છે. તેની અસર નીચાણવાળા વિસ્તારોમાં થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અભ્યાસ જર્નલ જિયોમોર્ફોલોજીમાં પ્રકાશિત થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં લોનાક સરોવરના ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે.