ભીષણ આગથી મોલની સંખ્યાબંધ દુકાનોમાં ભારે નુકસાન થયું હોવાનો અંદાજ
શોર્ટ સર્કીટને પરિણામે આ આગ ફાટી નીકળી હોવાનું માનવામાં આવે છે
મુંબઈના અંધેરી (વે)ના ઓશિવરા વિસ્તારમાં આવેલ હીરા-પન્ના મોલમાં આજે બપોરે ૩.૧૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ સાથે પોલીસ ઈલેક્ટ્રિક કંપની, ૧૦૮ એમ્બ્યુલન્સ અને પાલિકાનો વોર્ડ સ્ટાફ સહિત અન્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ તેમજ રાહત કામગિરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ માળની ઈમારતમાં ફસાયેલા ૧૪ લોકોને બચાવી લીધા હતા. જેમા એક મહિલાનો પણ સમાવેશ થતો હતો. આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પણ બચાવ કાર્ય દરમિયાન ફાયર બ્રિગેડના ત્રણ જવાનોને ગુંગળામણ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શોર્ટ સર્કીટને પરિણામે આ આગ ફાટી નીકળી હોવાનો અંદાજ છે.
સૂત્રો અનુસાર બપોરે ૩.૧૦ વાગ્યે ઓશિવરાના હીરા પન્ના મોલમાં આગ લાગી હોવાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ભીષણ આગને લીધે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે-ગોટા ફરી વળ્યા હતા. આગ ભીષણ હોવાથી ફાયર બ્રિગેડના કુલ પચ્ચીસ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોલનાં બીજા અને ત્રીજા માળે આગ લાગ્યા બાદ અહીં જીમમાં નવ વ્યક્તિ ફસાયા હતા જેમને ફાયર બ્રિગેડના જવાનોએ ટર્ન ટેબલ લેડરની મદદથી બચાવી લીધા હતા. આ સિવાય અન્ય બે વ્યક્તિઓને એન્ગસ લેડરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે મોલમાં ફસાયેલા વધુ ત્રણ જણને ફાયર બ્રિગેડના જવાનોએ સીડી પરથી બચાવી લીધા હતા. આ બચાવ અને રાહત કાર્યમાંફાયર બ્રિગેડના ત્રણ જવાનોને ગુંગળામણની અસર થતા તેમને નજીકની પાલિકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગમાં સંખ્યાબંધ દુકાનોના ઈલેક્ટ્રોકિલ ઈન્સ્ટોલેશનને અસર થઈ હતી. અનેક દુકાનોને માલસામાનનું પણ નુકસાન થયું હોવાની આશંકા છે. આગ એટલી ભીષણ હતી કે દૂર-દૂરના વિસ્તારોમાંથી ધુમાડાનાં ગોટેગોટા નજરે પડતા હતા.