સ્વિત્ઝર્લેન્ડમાં પણ હવે બુરખો પહેરવા અને ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ

burqa ban in switzerland

આ કાયદો તોડનારને 1 હજાર સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ 91 હજાર રૂપિયા દંડ થશે

સ્વિટ્ઝરલેન્ડમાં બુરખો પહેરવા અને ચહેરો ઢાંકવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડમાં હવે બુરખો પહેરવા અને ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવા માટે સ્વિત્ઝરલેન્ડની સંસદમાં જે કાયદાને મંજૂરી આપવામાં આવી છે, તે અંતર્ગત જો દેશમાં કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે દંડ વસૂલવામાં આવશે. આ અંતર્ગત કાયદો તોડનારને 1 હજાર સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ 91 હજાર રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. જાહેર સ્થળો અને ખાનગી કચેરીઓમાં આ કાયદાનું પાલન કરવું જરૂરી છે.

આ અંગે સંસદમાં નવા કાયદાને મંજૂરી આપવામાં આવી છે. સ્વિત્ઝર્લેન્ડની સંસદના નીચલા ગૃહે મુસ્લિમ મહિલાઓને બુરખો પહેરવા અને મોઢું ઢાંકવા પર પ્રતિબંધ મૂકવાના સમર્થનમાં મતદાન કર્યું હતું. આ બિલની તરફેણમાં 151 અને તેની વિરુદ્ધમાં 29 વોટ પડ્યા હતા. આ કાયદાના અમલ બાદ હવે સ્વિટ્ઝર્લેન્ડમાં ધાર્મિક સ્થળો સીવાય મહિલાઓ તેમના નાક, મોં અને આંખોને બુરખાથી ઢાંકી શકશે નહીં. સ્વિસ મતદારોએ વર્ષ 2021માં મુસ્લિમ મહિલાઓ દ્વારા નકાબ અને બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ત્યારબાદ અનેક મહિલા સંગઠનોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદના ઉપલા ગૃહે આ કાયદાને અગાઉથી જ મંજૂરી આપી દીધી હતી.