માત્ર 6.1 ઓવરમાં રન ચેઝ કરી ફાઈનલ મેચ જીતી. મોહમ્મદ સિરાજે 6 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી
ટીમ ઈન્ડિયાએ આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. મેચના અંતે બોલ બાકી હોવાની રીતે ભારતની આ સૌથી મોટી જીત છે. ટીમે 263 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2001માં કેન્યાને 231 બોલ બાકી રાખીને હરાવ્યું હતું.
એશિયા કપમાં ફાઈનલ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ઈશાન કિશન અને શુભમન ગિલે 6.1 ઓવરમાં જ રન ચેઝ કરી જીત મેળવી લીધી અને એશિયા કપ 2023 પોતાના નામે કર્યો હતો. મોહમ્મદ સિરાજે પહેલા જ સ્પેલમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાના પ્રથમ 16 બોલમાં 6 શ્રીલંકાના બેટર્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સિરાજ બાદ હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય બોલરોએ શ્રીલંકાને 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે. મોહમ્મદ સિરાજે વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ લેવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. શ્રીલંકાના ચામિંડા વાસે 2003માં બાંગ્લાદેશ સામે 16 બોલમાં 5 વિકેટ ઝડપી હતી. તો આ મેચમાં સિરાજે પણ 16 બોલમાં 5 વિકેટો ઝડપી હતી.