વડાપ્રધાન મોદી આજે “ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર”નું ઉદ્ઘાટન કરશે

yashobhumi

વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય સંમેલન અને એક્સ્પો સેન્ટર, આ કન્વેશન સેન્ટરમાં 11,000થી વધુ લોકોની બેઠક ક્ષમતા

આજે નવી દિલ્હીના દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી “ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર” (યશોભૂમિ)ના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરશે. આ યશોભૂમિ કન્વેન્શન સેન્ટર 8.9 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને તે વિશ્વના સૌથી મોટા MICE સ્થળો પૈકીનું એક હશે. અત્યારે આ સેન્ટરનો પ્રથમ ફેઝ પૂરો થઈ ગયો છે. 11 હજાર લોકોની બેસવાની ક્ષમતા ધરાવતા કન્વેન્શન સેન્ટરને સંપૂર્ણપણે તૈયાર થવામાં માર્ચ,2025 સુધીનો સમય લાગશે. આ યશોભૂમિ કન્વેન્શન સેન્ટર બનાવવા માટે લગભગ 5400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. યશોભૂમિમાં વૈભવી સંમેલન કેન્દ્ર, અનેક પ્રદર્શન હોલ અને અન્ય સુવિધાઓ છે. આ ઉપરાંત કન્વેન્શન સેન્ટરમાં દેશની સૌથી મોટી LED લગાવવામાં આવશે.


આ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં 11000થી વધુ લોકોની બેઠક ક્ષમતા છે. જેમાં 15 કન્વેન્શન રૂમ, ગ્રાન્ડ બોલરૂમ અને 13 મીટિંગ રૂમનો સમાવેશ થાય છે. કન્વેન્શન સેન્ટરનો પ્લેનરી હોલ મુલાકાતીઓને વૈશ્વિક સ્તરનો અનુભવ પ્રદાન કરશે. યશોભૂમિ પાસે અત્યાધુનિક વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ સાથે 100 ટકા ગંદા પાણીનો પુનઃઉપયોગ થશે. અહીં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ કાર્યરત રહેશે. તેની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. યશોભૂમિને દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન મોદી દ્વારકા સેક્ટર 21થી નવા મેટ્રો સ્ટેશન ‘યશોભૂમિ દ્વારકા સેક્ટર 25’ સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કરશે. નવી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 એ એક ભૂગર્ભ સ્ટેશન છે જે શહેરના મહત્વના સ્થળો જેમ કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન સાથે સીધું જોડાયેલ હશે.