ઈન્દોર શહેરથી 80 કિમી દૂર આવેલી છે આ 108 ફૂટ ઊંચી મૂર્તિ, 18 સપ્ટેમ્બરના રોજ આ મૂર્તિનું અનાવરણ
ભગવાન શિવનાં 12 જ્યોર્તિલિંગ પૈકી એક ઓમકારેશ્વરનાં પવિત્ર સ્થાન પર આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ થશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તારીખ 18 સપ્ટેમ્બરના રોજ આ મૂર્તિનું અનાવરણ કરશે. એક રીપોર્ટ અનુસાર ઈન્દોરથી આશરે 80 કિમી દૂર આ પ્રતિમા આવેલી છે.

108 ફૂટ ઊંચી મૂર્તિમાં આદિ શંકરાચાર્યને 12 વર્ષના બાળક તરીકેના રૂપમાં રજૂ કરાયા છે. આ યોજનાના પહેલા તબક્કામાં નર્મદા નદીના કિનારે આ ધાર્મિક નગરીમાં માંધાતા પર્વત પર મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનેક પ્રકારની ધાતુઓના મિશ્રણથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. અનુપ કુમારસિંહે જણાવ્યું હતું કે, શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી મૂર્તિનું કામ માંધાતા પર્વત પર ચાલું છે. મૂર્તિ તૈયાર થઈ ચૂકી છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે એ સમયે દેશભરમાંથી સાધુ સંધો અહીં આવશે. ધાર્મિક કાર્યક્રમો થશે અને અનુષ્ઠાન પણ થશે. એનાથી અમારા શહેરને મોટી ઓળખ મળી રહેશે.

એવું માનવામાં આવે છે કે, કેરળ રાજ્યમાંથી નાનપણમાં જ શંકરાચાર્યએ સન્યાસ લઈ લીધો હતો. એ પછી તેઓ ઓમકારેશ્વર આવ્યા હતા. જ્યાં એમની મુલાકાત ગુરૂ ગોવિંદ ભગવત્પાદ સાથે થઈ હતી. ચાર વર્ષ સુધી આ પવિત્ર નગરીમાં રહીને તેમણે વિદ્યાપ્રાપ્તિ કરી હતી. ધાર્મિક માન્યતા અનુસાર શંકરાચાર્યએ અદ્વૈત વેદાંત દર્શનને લોકો સુધી પહોંચાડવા માટે 12 વર્ષની ઉંમરમાં દેશના અન્ય ભાગમાં વિહાર કર્યો હતો. ઓમકારેશ્વરમાં અદ્વૈતલોક નામથી એક મ્યુઝિયમ અને આચાર્ય શંકરાચાર્ય આંતરરાષ્ટ્રીય વેદાંત સંસ્થાની સ્થાપના સાથે 36 હેક્ટર પર અદ્વૈતવન પણ તૈયાર કરવામાં આવ્યું છે.
