“G-20 સમિટ” શું છે તેનો હેતુ શું છે તથા G-20 વિષેની દરેક માહિતી જે આપને જાણવી જરુરી છે

G-20 Summit

“G-20 સમિટ”એ વૈશ્વિક આર્થિક નીતિ, નાણાકીય સ્થિરતા અને વિશ્વ સામેના અન્ય નિર્ણાયક મુદ્દાઓની ચર્ચા અને સંકલન માટેનું એક મંચ છે. જે વિશ્વના GDPના લગભગ 85% નું પ્રતિનિધિત્વ કરે છે. G20 એ 20 દેશોનાં સમૂહનું એક ગ્રુપ છે કે જેમાં વિશ્વની 19 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને યુરોપિયન યુનિયનના નેતાઓ વાર્ષિક આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરે છે. G20 સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ બેંક અને IMF જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઉપરાંત બાંગ્લાદેશ, સિંગાપોર, સ્પેન અને નાઇજીરીયા સહિતના બિન-સદસ્ય દેશોને પણ આમંત્રણ આપે છે.

“G-20 સમિટ”નો ઈતિહાસ :
G20 ની સ્થાપના 1999 માં, એશિયન આર્થિક સંકટ પછી, મુખ્ય અર્થતંત્રોને તેમની આર્થિક નીતિઓનું સંકલન કરવા અને વૈશ્વિક નાણાકીય સ્થિરતાને સંબોધવા માટે એક મંચ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી. જર્મનીના બર્લિનમાં G8 બેઠક દરમિયાન G20ની રચના કરવામાં આવી હતી. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન જ્યારે નેતાઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય પગલાંની જરૂરિયાતને માન્યતા આપી ત્યારે તેને મહત્ત્વ મળ્યું. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં G20 ગ્રુપની પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી.

“G-20 સમિટ”નો હેતુ :
“G-20 સમિટ”નો પ્રાથમિક હેતુ આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. સભ્ય દેશોના નેતાઓ આર્થિક નીતિઓ, નાણાકીય નિયમો, વેપાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરતા તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકસાથે આવે છે.

“G-20 સમિટ” વૈશ્વિક પડકારો સામે પ્લેટફોર્મ પૂરું પાડે છે :
G20 સમિટ આર્થિક બાબતો ઉપરાંત, આબોહવા પરિવર્તન, સાયબર સુરક્ષા, જાહેર આરોગ્ય, ગરીબી ઘટાડવા અને વિકાસ જેવા વૈશ્વિક પડકારોને સંબોધિત કરે છે. આ સમિટ વિશ્વના નેતાઓને આ મુદ્દાઓ પર સાથે આવવા એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

વૈશ્વિક કટોકટી સામે G-20 :
G-20 એ વૈશ્વિક કટોકટીનો જવાબ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઉદાહરણ તરીકે, 2008ની નાણાકીય કટોકટી દરમિયાન G-20 નેતાઓ વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા અને આકરી આર્થિક મંદીને રોકવા માટે એકસાથેના સંકલિત પગલાં પર સંમત થયા હતા. ત્યારબાદ તાજેતરમાં કોવિડ-19 મહામારીએ દરેક મોટા દેશની અર્થવ્યવસ્થાને ખાસ કરીને વિકાસશીલ દેશોને નુકસાન પહોંચાડ્યું છે. ઉપરાંત યુક્રેન યુદ્ધને કારણે ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવમાં મોટો વધારો થયો છે. આ મામલે ફરી એકવાર G-20 સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ વર્ષની “G-20 સમિટ” ભારત માટે ખાસ :
ભારત આ વર્ષની G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. જેના પરિણામે વિશ્વમાં ભારતની ઓળખ એક World Leader તરીકે થશે. જો તે G20 નું નેતૃત્વ કરતી વખતે વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે, તો ભારતની મહત્વાકાંક્ષાઓને મોટું પ્રોત્સાહન મળી શકે છે.

“G-20 સમિટ”ના આ વખતના મુખ્ય ઉદેશો :
G20માં વિસ્તાર કરી આફ્રિકન યુનિયનનો સમાવેશ
ગરીબ દેશો ઝડપી ભંડોળની ચૂકવણી
વિશ્વ બેંકમાં સુધાર

“G-20 સમિટ”થી ભારતને શું ફાયદો :
વિશ્વમાં ભારતની છબી મજબૂત થશે
ગ્લોબલ સાઉથના દેશોના મુદ્દા ઉઠાવીને ભારત તેનું નેતૃત્વ મેળવી શકે છે
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મદદ મળશે
સભ્ય દેશો સાથે વ્યાપારી સંબંધો બનશે મજબૂત

“G-20 સમિટ” પાસેની શક્તિઓ :
G20ના અધિકારોની વાત કરીએ તો, યુનાઈટેડ નેશન્સ તરફથી G20ને કોઈ કાયદાકીય સત્તા આપવામાં આવી નથી. તેમજ તેના સભ્ય દેશોને UNના નિર્ણયને સ્વીકારવાની કોઈ કાયદાકીય ફરજ નથી. મુખ્યત્વે G20 સભ્ય દેશો વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થાને મજબૂત અને પ્રોત્સાહન આપવા પર ચર્ચા થાય છે. જેમાં શિક્ષણ, રોજગાર અને ખાદ્યપદાર્થોના ભાવને નિયંત્રિત કરવા જેવા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવે છે. તેનું કોઈ મુખ્યાલય નથી. G20ના પ્રમુખનો નિર્ણય ટ્રોઇકા દ્વારા લેવામાં આવે છે અને દરેક કોન્ફરન્સનું આયોજન વર્તમાન, ભૂતકાળ અને ભાવિ રાજ્યના વડાઓના સમર્થનથી કરવામાં આવે છે. આ વખતે ટ્રોઇકામાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલ છે.

“G-20 સમિટ”ના બે મુખ્ય ટ્રેક :

“G-20 સમિટ” બે ટ્રેક પર કામ કરે છે. 1. ફાઇનાન્સ ટ્રેક અને 2. શેરપા ટ્રેક

  • ફાઇનાન્સ ટ્રેક એટલે જેમાં તમામ દેશોના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો સાથે મળીને કામ કરે છે.
  • શેરપા ટ્રેક એટલે જેમાં દરેક દેશના એક શેરપા અગ્રણી હોય છે. શેરપા ટ્રૅકમાં ખેતી, વિકાસ, રોજગાર, શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, પ્રવાસન સહિતનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
  • G-20ના નાણાકીય ટ્રૅકમાં ફ્રૅમવર્ક વર્કિંગ ગ્રૂપ, ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ આર્કિટેક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ, નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓનો સમાવેશ થાય છે.