વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટમાં ભાગ લેનારા વિશ્વના નેતાઓનું ભારત મંડપમમાં કોણાર્ક સૂર્યચક્ર સામે સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યચક્ર વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને જણાવ્યું

G-20 સમિટમાં ભાગ લેનારા વૈશ્વિક નેતાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ‘ભારત મંડપમ’ ખાતે સ્વાગત કર્યું હતું. ‘ભારત મંડપમ’ ખાતે મોદી મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા તે જગ્યા પર પાછળની બાજુ કોણાર્ક મંદિરનું સૂર્યચક્ર લગાવાયેલું હતું. ‘ભારત મંડપમ’ ખાતે અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન પહોંચ્યા ત્યારે મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું તે સમયે જોબાઈડનની નજર સૂર્યચક્ર પર પડતા પીએમ મોદીએ તેમનો હાથ પકડીને સૂર્યચક્ર વિશે વિસ્તારમાં જણાવ્યું હતું. બાઈડન પણ મોદીને સાંભળતા જોવા મળ્યા હતા.

ઓડિશાના કોણાર્ક ચક્રનું નિર્માણ 13મી સદી દરમિયાન રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન થયું હતું. એ ભારતના રાષ્ટ્રધ્વજમાં દેખાય છે. એમાં 24 આરા છે. એ ભારતના પ્રાચીન જ્ઞાન, અદ્યતન સભ્યતા અને વાસ્તુશિલ્પ શ્રેષ્ઠતાનું પ્રતીક છે. એ સમયનું પ્રતીક છે. એ સમયના ચક્રની સાથે- સાથે પ્રગતિ અને પરિવર્તનને દર્શાવે છે.

G-20 સમિટમાં એવી અનેક મોમેંટ્સ હતી, જેની ઘણી ચર્ચા થઈ રહી છે. જેમ કે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને ભેટી પડ્યા હતા. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવ પહોંચ્યા ત્યારે મોદી આગળ આવ્યા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝને આંખની ઈજા અંગે તેમની તબિયત વિશે પૂછયું હતું.

શુક્રવારે એક દિવસ પહેલાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા સુનકે બ્રિટિશ કાઉન્સિલ હેડક્વાર્ટર ખાતે સ્થાનિક શાળાનાં કેટલાંક બાળકો સાથે થોડો સમય વિતાવ્યો હતો. તેમની સાથે વાતચીત કરીને ફૂટબોલ પણ રમ્યાં હતાં.