કોર્પોરેશન-પાલિકામાં ભાજપ અપનાવશે નો-રિપીટ થિયરી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો મહત્વનો નિર્ણય

ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને લીધો મહત્ત્વનો નિર્ણય
સિનિયોરિટી, આવડત અને આક્ષેપોને ધ્યાને લઈ લેવાશે નિર્ણય

ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિશે માહિતી આપતા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વધુમાં વધુ નવા લોકોને તક મળે તે માટે નો-રિપીટ થિયરી અપનાવાઈ છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ લેવાની જવાબદારી 1500 જેટલા લોકોને સોંપી હતી. જેમાં દરેક બેઠક માટે 3 નિરીક્ષક મોકલ્યા હતા, જેમાં 1 મહિલાનો પણ સમાવેશ કરાયો હતો. ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે. એટલે વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. સામાન્ય બેઠક પર સામાન્ય વર્ગમાંથી આવતા લોકોને પ્રાયોરિટી અપાશે. દરેક કાર્યકરની સિનિયોરિટી, આવડત, આક્ષેપ વગેરેને ધ્યાનમાં લેવાશે. કાર્યકર વિરુદ્ધ થયેલા આક્ષેપની ચકાસણી કરવામાં આવશે. આજે ગુજરાત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં પારદર્શી રીતે આ અંગે મંથન કરવામાં આવશે.

ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે. આ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પદો માટે નો રિપિટેશન થિયરીનો અમલ કરવામાં આવશે. જેથી નવા લોકોને તક મળે. ગુજરાત ભાજપ દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં દરેક સીટ માટે ત્રણ નિરીક્ષકોને મોકલવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ છે. તેમણે દરેક જિલ્લામાં જઇને દરેક ઉમેદવારો, ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ અને આગેવાનોને સાંભળ્યા હતા. તેમના દ્વારા કેટલીક જગ્યાએ જે નામો સૂચવવામાં આવ્યા હતા એ નામો લઇને અલગ-અલગ તારીખે અહીં સાંભળવા માટેનો એક પાર્લામેન્ટરી બોર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મેયર, ડેપ્યુટી મેયર,નેતા સ્ટેન્ડિંગ કમિટી કે જિલ્લાના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી આ બધા નો રિપિટેશનમાં લઇ જવાનો એક નિર્ણય ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. જેના વધુમાં વધુ નવા લોકોને તક મળે અને અનુભવ પણ મળે. તેમાનામાં રહેલી પ્રતિભાનો ઉપયોગ લોકહિતમાં થાય એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.સામાન્ય રીતે જે જનરલ બેઠકો હશે, તેમાં પ્રયત્નો એવા રહેશે કે સામાન્યનેજ જવાબદારી આપવી. દરેક કાર્યકર્તાને સિનિયોરિટી, આવડત, પાર્ટી અને સંગઠન સાથે તેની કામ કરવાની પદ્ધતિ એ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને, તેની સામે નાના મોટા આક્ષેપો હશે તો તેને પણ ધ્યાનમાં લઇશું. તેની ચકાસણી પણ કરીશું. એ રીતે નિર્ણય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોઇ ગેરસમજ ઉભી ન થાય એ માટે આજે આ પત્રકાર પરિષદ થકી ભાજપના આગેવાનો અને જે ઉમેદવારો છે તેમને પણ કહીએ છીએ કે પારદર્શક રીતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી અને આગેવાનોની ઉપસ્થિતિમાં પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક સારો નિર્ણય કરીને ગુજરાતમાં સારો વહિવટ લોકોને આપી શકીએ. લોકોની અપેક્ષા પૂર્ણ કરી શકાય તેવો પ્રયત્ન કરવામાં આવશે.