ડીએમકે સરકારના મંત્રી ઉધયનિધિના સનાતન ઘર્મ પર વિવાદિત નિવેદન મામલો
તમિલનાડુ ડીએમકે સરકારના મંત્રી અને સીએમ એમકે સ્ટાલિનના પુત્રના નિવેદન બાદ વધુ એક નવો વિવાદ સર્જાયો હતો. ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને નષ્ટ કરવાની વાત કરી હતી, જેના માટે તેમની ખૂબ ટીકા થઈ રહી છે. સનાતન ધર્મ પર આપેલ ટિપ્પણી પર આજે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે તેમની વાત રજૂ કરતા કહ્યું કે, તમામ પક્ષોને તેમના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં વેણુગોપાલે આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું વિઝન ખૂબ જ સ્પષ્ટ છે – તમામ ધર્મોની સમાનતા. અમે દરેકની માન્યતાઓને માન આપીએ છીએ, પરંતુ તમારે સમજવું પડશે કે તમામ રાજકીય પક્ષોને તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે.
કર્ણાટક સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ ઉધયનિધિ સ્ટાલિનનું સમર્થન કર્યું છે.
મીડિયા સાથે વાત કરતા પ્રિયંક ખડગેએ કહ્યું કે, ‘કોઈપણ ધર્મ જે અસમાનતાને પ્રોત્સાહન આપે છે અને માનવ તરીકેની ગરિમાનું ઉલ્લંઘન કરે છે તે ધર્મ નથી. ખડગેએ કહ્યું કે મારા મતે કોઈપણ ધર્મ જે સમાન અધિકારો આપતો નથી અથવા માણસો સાથે માણસ જેવો વ્યવહાર નથી કરતો તે એક રોગ સમાન છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું- અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. કોંગ્રેસ ન તો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ટિપ્પણી કરે છે અને ન તો તેમાં વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું- અમે કોઈ બીજાના નિવેદનની જવાબદારી ન લઈ શકીએ.
તેમણે કહ્યું હતું કે, સનાતનનો ફક્ત વિરોધ ન કરવો જોઈએ પણ તેને સમાપ્ત જ કરી દેવો જોઈએ. એજન્સી અનુસાર ઉદયનિધિએ શનિવારે સનાતન ઉન્મૂલન સંમેલનમાં કહ્યું હતું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. અમુક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, તેને ખતમ જ કરી દેવા જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ ન કરી શકીએ, આપણે તેને ડામવા પડશે. એ જ રીતે સનાતનને પણ સમાપ્ત જ કરવો પડશે.