એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. એશિયા કપ 2023ની ત્રીજી મેચ આજે કેન્ડીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. જેમાં ભારતે પાકિસ્તાનને 267 રનનો ટાર્ગેટ આપ્યો છે.
એશિયા કપમાં રમાઈ રહેલી ભારત પાકિસ્તાન મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાએ 87 રન અને ઈશાન કિશને 82 ઇનિંગ રમી હતી. ઈશાન કિશને 54 બોલમાં તેના 50 રન પૂરા કર્યા, આ તેની વન-ડેમાં સતત ચોથી અડધી સદી પણ છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર સતત ત્રણ વન-ડેમાં 52, 55 અને 77 રનની ઇનિંગ્સ રમી હતી. ઈશાન પહેલીવાર પાકિસ્તાન સામે વન-ડે રમી રહ્યો છે અને તેણે ફિફ્ટી ફટકારી છે. કેપ્ટન રોહિત શર્મા 11, શુભમન ગિલ 10, વિરાટ કોહલી 4 અને શ્રેયસ અય્યર 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ ચાર વિકેટ લીધી હતી જ્યારે હારિસ રઉફને અને નસીમ શાહને 3-3 વિકેટ મળી હતી. પહેલી ચાર વિકેટ ગુમાવ્યા બાદ, નંબર-6 પર આવેલા હાર્દિક પંડ્યાએ 87 રનની ઇનિંગ રમી અને ટીમના સ્કોરને 200ની પાર પહોંચાડી દીધી હતી. તેણે તેની ODI કારકિર્દીની 11મી ફિફ્ટી પૂરી કરી. પંડ્યાએ વન-ડે કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. તેણે 96.67ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો. પંડ્યાની 90 બોલની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને 141 બોલમાં પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. ઈશાન 82 રન બનાવીને હારિસ રઉફનો શિકાર બન્યો હતો. પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી એશિયા કપમાં ભારત માટે સૌથી મોટી ભાગીદારી છે.