સારંગપુર હનુમાનજીનાં વિવાદિત ભીંતચિત્રો ઉપર કોઈ યુવકે કાળો કલર લગાવ્યો, કુહાડીથી તોડવાનો પ્રયાસ

હાજર પોલીસકર્મીઓએ યુવકની અટકાયત કરી, વધુ બંદોબસ્ત ગોઠવાયો

યુવક ધાર્મિક માણસ છે પરંતું તેમની લાગણી દુભાતા તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન

હનુમાનજીને દાસ તરીકે દર્શવવામાં આવતા સનાતન ધર્મના સાધુ સંતો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

સાળંગપુર ખાતે શ્રી કષ્ટ ભંજન દેવ સાળંગપુર મંદિર છેલ્લા ઘણા દિવસથી વિવાદમાં છે. વિવાદ સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિ નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રને લઈને છે. આ ચિત્રોમાં હનુમાનજીને નીલકંઠવર્ણીને પ્રણામ કરતાં બતાવ્યાનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. અત્યાર સુધી ચાલી રહેલા શાબ્દિક યુદ્ધે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. હનુમાનજીને દાસ તરીકે દર્શવવામાં આવતા સનાતન ધર્મના સાધુ સંતો અને હનુમાન ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ ચિત્ર તુરંત હટાવવાની માંગ કરવામાં આવી છે. સાધુ સંતો બાદ હવે વિશ્વ હિંદુ પરિષદ પણ મેદાને આવી છે. આજે સાળંગપુર ખાતે કોઈ હનુમાન ભક્ત દ્વારા લાગણી દુભાતા વિવાદિત ભીત ચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આજે ગઢડા તાલુકાના ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના શખ્સે સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો પર પહેલાં કાળો રંગ ફેંક્યો અને પછી કુહાડી ચલાવી એને તોડવાનો પ્રયાસ કર્યો હતો. બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડવા આવેલા આ શખસને પોલીસે ઝડપી લીધો છે. ભક્ત દ્વારા ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને વાંસથી કોર્ડન કરી લેવામાં આવી છે તેમજ ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાં બાદ મંદિરના પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીંતચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘટનાના પગલે Dy.SPએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટના બાદ બોટાદના SP કિશોર બળોલિયાએ જણાવ્યું હતું કે, હુમલાનો પ્રયાસ કરનારની ઓળખ થઇ છે તે ગઢડા તાલુકાના ચારણકી ગામનો યુવાન હર્ષદ ગઢવી છે. હર્ષદ ગઢવી ગાર્ડનમાંથી છૂપાઇને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પોલીસે હર્ષદને મૂર્તિ પાસેથી ઝડપી લીધો હતો. હર્ષદ ગઢવી સાથે બીજુ કોણ કોણ આવ્યું હતું અને ક્યા વાહનમાં આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી ફરિયાદ આપવામાં આવશે એ રીતે વધુ કાર્યવાહી થશે. વધુમાં તેમણે જણાવ્યું કે કોઇ પણ વિવાદ હોય તો તેનો સંવાદથી પણ ઉકેલ આવી શકે છે. જે કોઇ લોકોને ભીંતચિત્રો મુદ્દે વિરોધ હોય તેનો મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરી નિવેડો લાવવો જોઇએ. કોઇપણ વ્યક્તિ આ રીતે કાયદો હાથમાં લે એ વાજબી નથી. મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો જ છે. પરંતુ જે રીતે મંદિરનું વિશાળ પરિસર છે અને બાજુમાં જ પાર્કિંગ અને ગાર્ડન પણ છે. અહીં રજાના દિવસોમાં ઘણા દર્શનાર્થીઓ આવતા હોય છે. હાલમાં આ વિવાદને લઇને પીઆઇ સહિત 75 પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ અંગે ચારણકી ગામના સરપંચે દિવાનભાઇએ જણાવ્યું હતું કે, હર્ષદભાઇ ગઢવી ધાર્મિક માણસ છે પરંતું હર્ષદભાઇની લાગણી દુભાતા તેમણે આ પગલું ભર્યું છે. અમે હર્ષદભાઇની સાથે છીએ અને તેમને જ્યાં પણ જરુર પડશે અમે અડધી રાત્રે સમર્થનમાં ઉભા રહીશું. તેઓએ યાત્રાળુઓ માટે તેમની વાડીએ ગજાનંદ આશ્રમ બનાવ્યો છે. જ્યારે બરવાળા લક્ષ્મણજી મંદિર મહામંડલેશ્વર જગદેવદાસજીએ જણાવ્યું હતું કે, હર્ષદભાઇ ગઢવી સેવાકિયવૃત્તિના માણસ છે. હર્ષદભાઇ તો રજૂઆત કરવા ગયા હતા પણ તેમને યોગ્ય જવાબ નથી આપ્યો. હર્ષદભાઇની લાગણી દુભાતા તેમણે આવું કર્યું છે. અને આ તો હજી રાયના દાણા જેટલો જ તેમનો ક્રોધ હતો, વધારે ક્રોધ નથી. તેમણે કોઇ ગુનો નથી કર્યો, તેમણે યોગ્ય કાર્ય જ કર્યું છે. અમે આ વિવાદીત ભીંતચિત્રો હટાવવાની માંગ સાથે પોલીસમાં અરજી પણ આજે આપી છે.