સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની ચેષ્ટા કંઈ નવી વાત નથી
બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ્ સાળંગપુરની ભવ્ય પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાની નીચે હનુમાન દાદા સ્વામિનારાયણના સંતને નમન કરતા હોય એવા ભીંતચિત્રો સામે આવતાં સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સનાતન પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મના સંતો આ તસવીરોની નિંદા કરી કહ્યા છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની ચેષ્ટા કંઈ નવી વાત નથી. આ પહેલાં પણ અનેકવાર હિન્દુ દેવી-દેવતાઓ, દેવોના દેવ મહાદેવ, બ્રહ્મા, ઇન્દ્રદેવ વિષે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી છે જેનાં વીડિયો પણ સામે આવ્યા હતા.
આ વિવાદ બાત 31 ઓગસ્ટની સાંજે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીએ આપેલા વ્યક્તવ્યમાં આ વિવાદનો ઉલ્લેખ કરી સત્સંગીઓને નીડર બનવા માટે આહવાન કર્યું હતું.
31 ઓગસ્ટની સાંજે ખંભાતમાં નૂતન સંત નિવાસ ઉદ્ઘાટન સમારોહમાં વડતાલ ધામના સંત નૌતમ સ્વામીએ પ્રવચન દરમિયાન કહ્યું કે, ક્યારેય કોઈ દેવી-દેવતાઓનું કોઈ સંતો અપમાન કરતા હોય તો તે ગ્રાહ્ય નથી. તેની સાથે સાથે સ્વામિનારાયણ એ ભગવાન છે અને એ ભગવાનની વાતને જો કોઈપણ ટાળવાનો પ્રયત્ન કરતું હોય તો એ વાજબી નથી, જરાપણ અંશે માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, આપણા સૌ સંપ્રદાયના સત્સંગીઓએ આ બાબતમાં નીડર રહેવું ક્યારેય પણ કોઈ પાજી-પાલવની છાયામાં દબાવવું નહીં. કોઈપણ વાત કરે તો સ્વામિનારાયણ ભગવાનનાં શાસ્ત્રોના આધારે એને જવાબ આપવો, સત્સંગી જીવન, વચનામૃત અને શિક્ષાપત્રી એ આપણું લેન્ડમાર્ક છે અને સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયે ગુજરાતને ઘણું આપ્યું છે એ આપણે ડંકાની ચોટ પર કહી શકીએ છીએ.
‘સૌ સંતોને પણ વિનંતી કરું છું કે, આપણે સૌ સંતોએ સાથે મળીને તમામ 127 જેટલા સંપ્રદાયોએ આપણી સનાતન વૈદિક પરંપરાના છે એ સૌએ સાથે મળીને આપણા હિન્દુ સનાતન ધર્મને મજબૂત કરવાની જરૂર છે. કોઈ માણસો હિન્દુ ધર્મને જ્યારે નુકસાન કરતા હોય અને એવી પરિસ્થિતિમાંથી ભારતીય સંસ્કૃતિ પસાર થઈ રહી છે ત્યારે બધા સંપ્રદાયોએ એક થઈ એનો સામનો કરવાની જરૂર છે નહીં કે અંદરો અંદર એકબીજાની ટાંટિયા ખેંચવાની પ્રવૃત્તિ કરવાનો.’
નૌતમ સ્વામી આગળ કહે છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય એ સર્વાંગી રીતે ગુજરાતનો પોષક છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ ગુજરાતના તમામ પ્રકારે, ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતના તમામ ધર્મોને પણ પોષણ આપનારા છે એટલે સંતો, જે ઇતર સંપ્રદાયોના છે, અખાડાના છે એને પણ મારી વિનંતી છે, જે બુદ્ધિશાળી સંતો છે એમણે વૈચારિક ભૂમિકાથી સમજી વિચારીને વાત કરવી જોઇએ, સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું જે સહન નથી કરી શકતા એવા લોકોની માટે મારે કોઈ વાત નથી કરવી. પરંતુ સ્વામિનારાયણ ભગવાન છે, એવું જે માને છે એ અમે નથી કહેતા વેદવ્યાસજીથી લઈને તમામ પુરાણોમાં આ વાત છે. આ વાતને અમે વળગીને રહીએ છીએ, આ વાત ડંકાની ચોટ પર કહીએ છીએ, આ વાત સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય તરફથી છે.
‘હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, જે લોકો ઉતાવળે કદાચ દોડતા હોય એમને વિનંતી કરું છું કે પાછા વળવું. હનુમાનજી મહારાજનું જે ઐશ્વર્ય છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે યોગ અભ્યાસ કર્યો હતો એના દ્વારા, એમને મળેલી યોગ વિદ્યા દ્વારા સાળંગપુરમાં પ્રસ્થાપિત કર્યું છે. એટલે સાળંગપુર મંદિરેથી પણ વારેવારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રવર્તન થવું જોઇએ, એવું ચેરમેનને કહું છું. સ્વામિનારાયણ ભગવાનનું પણ એટલું જ પ્રવર્તન થવું જોઇએ. ગુજરાતમાં બધાને ખબર પડવી જોઇએ કે, સ્વામિનારાયણ ભગવાનના એક યોગી દ્વારા સ્થપાયેલા હનુમાનજી મહારાજ છે. આ સામાન્ય હનુમાનજી મહારાજ નથી. આ કષ્ટભંજન દેવ એ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા છે, સ્વામીએ પોતાનું યોગ અને ઐશ્વર્ય એમાં પ્રસ્થાપિત કર્યું છે એટલું સ્વામિનારાયણના સંતો અને હરિભક્તોએ પણ સૌને કહેવું મારા ભાવથી જય સ્વામિનારાયણ’.
ભીંતચિત્રમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા દર્શાવવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક વિવાદનો જન્મ થયો હતો. જેમાં હનુમાનજીના કપાળ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક જોવા મળ્યું હતું. આ અંગે સાળંગપુર હનુમાનજીનાં દર્શને જૂનાગઢથી આવેલા દીર્ઘ ત્રિવેદીએ કહ્યું કે, હું કોઇ સંપ્રદાયનું અપમાન નથી કરવા માંગતો. પરંતુ હનુમાનજીની મૂર્તિને કરેલું તિલક યોગ્ય નથી. એનો મતલબ એવો નથી કે હનુમાનજીએ પણ સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવી લીધો છે. ભીંતચિત્રોની નીચે ઇતિહાસ લખવો જોઇએ. આ ભીંતચિત્ર વાજબી નથી.
આ વિવાદ બાદ અનુપમ સ્વામીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, ઉસકો હનુમાનજી મહારાજને પ્રણામ કિયા હૈ, તો કુછ સાધુ-સંતો કો ઔર સજ્જનો કો ઉસમેં આપત્તિ હૈ, કી સામાન્ય માનવ કો હનુમાનજી મહારાજ પ્રણામ કરતે હી નહીં, બસ યે મૂર્તિ હટાવ, અરે ભઈ હમ ભી તો યહી કહ રહે હૈ કી વો સામાન્ય માનવ હૈ હી નહીં, વો સ્વયં ભગવાન હૈ ઔર ભગવાન ઉનકે માતા-પિતા હૈ ઔર ઉનકો પ્રણામ કરને મેં હનુમાનજી કો કોઈ આપત્તિ હો હી નહીં શકતી. ઇતના સ્પષ્ટ દેખને કે બાદ ભી આપ અગર નહીં માનતે હો તો આગે આપકી મરજી હૈ. જય સ્વામિનારાયણ.
જો કે થોડીવારમાં જ અનુપમ સ્વામીનો એક બીજો વીડિયો સામે આવ્યો અને તેમણે જણાવ્યું કે, સ્વામિનારાયણના સાધુઓ માતાજીનું આવું ખરાબ બોલે છે, મહાદેવજીનું આવું ખરાબ બોલે છે, બ્રહ્માજીનું આવું ખરાબ બોલે છે, હનુમાનજી મહારાજનું આવું ખરાબ બોલે છે, આ બધી જ વાત તમારી સાચી છે. તમે 101 ટકા સાચા છો, હા એવું બનતું હોય છે સર્વોપરીના આવેગમાં આવી જઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો બીજા તમામ દેવી-દેવતાઓને બહુ નાના સાબિત કરતા હોય છે એ તેમની ભૂલ છે, સોરી એ અમારી ભૂલ છે. આમાં હું પણ આવી ગયો છું, કારણ કે ભૂતકાળમાં મારાથી આવેગમાં આવી જઈને એ ભૂલ થયેલી જ છે પણ જેઓની લાગણી દુભાણી હોય એવા સંતો, મહંતો, ભક્તોને મારી પર્સનલ વિનંતી છે કે, જૂની ભૂલોને માફ કરજો અને હવે નવી ભૂલ કોઈ કરે તો તેને પર્સનલી જઈને મળજો, પૂછજો, જરૂર પડે તો શાસ્ત્રોક્ત અથવા કાયદાકીય રીતે દંડ પણ કરજો.
સપ્ટેમ્બર, 2019માં સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં નિત્યસ્વરૂપદાસે કહ્યું હતું કે, ‘કેવડા મોટા ભગવાન મળ્યા. બાપ. સર્વોપરી ભગવાન મળ્યા. તમે કલ્પના તો કરો. એની ઊંચાઈની શું વાતો થાય. જો જુઓ ભક્તો દેવ, દેવી બધું સનાતન સત્ય છે. આ ધરતી પર તો તેત્રીસ કરોડ તો દેવતા છે. પણ એ દેવ-દેવી તેત્રીસ કરોડ છે એના લીડર ઇન્દ્ર છે. એના લીડર બ્રહ્મા, વિષ્ણુ અને શંકર છે. એના લીડર વિરાટ પુરુષ છે. એના લીડર પ્રધાન પુરુષ છે. એના લીડર મહાપુરુષ છે. મહાપુરુષ લીડર મૂળ અક્ષર છે. અક્ષર લીડર ભગવાન સ્વામિનારાયણ છે. અક્ષર પુરુષોત્તમ કહેવાય. એટલે વાત ભુલાય નો જાય. એટલે ખાસ ખટકો રાખજો.’
આ વીડિયો બાદ વિવાદ વકરતા નિત્યસ્વરૂપદાસનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. જેમાં સ્વામી નિત્યસ્વરૂપદાસે સનાતન ધર્મની માફી માંગી હતી. તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘જો કોઇ દેવી-દેવતા વિશે બોલાયું હોય તો માફ કરશો. દેવોના દેવ શંકર ભગવાન છે. આપણે સૌ સનાતન ધર્મનાં સંતાન છીએ. હું ક્યારેય કંઈ બોલ્યો હોઉં તો માફી માગું છું.’ આ વિવાદ સામે આવ્યા બાદ સરધાર મંદિરે કલાકારોને રત્નાકર એવોર્ડ આપ્યા હતા. જો કે ત્યાર બાદ કલાકારોએ આ એવોર્ડ પરત કર્યા હતા.
5 સપ્ટેમ્બર, 2022ના રોજ સોખડા હરિધામના પ્રબોધસ્વામીના શિષ્ય આનંદસાગરનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તે ભગવાન શિવનું અપમાન કરી રહ્યા હતા. વીડિયોમાં આનંદ સાગર પ્રબોધ સ્વામીની હાજરીમાં જ બોલી રહ્યા છે કે, આત્મીય વિદ્યાધામ(AVD)ની ધરતી પર એક દીકરો રહે છે. નિશિથ એનું નામ છે. કચ્છનો છે. જ્યારથી આત્મીય વિદ્યાધામ પર રહેવા આવ્યો છે. ત્યારથી એને ગુરુહરી પ્રબોધ સ્વામીએ એમને અઢળક દર્શન આપ્યાં છે. કદાચ આખું પુસ્તક ભરાય એટલા બધા તેને અનુભવો અને દર્શન છે. એમાં ગયા મહિને થોડા દિવસ પહેલાં જ એને દર્શન આપ્યા, પ્રબોધ સ્વામીજીએ. આત્મીય વિદ્યાધામની ધરતી પર પ્રબોધ સ્વામી રૂમમાં હતા અને નિશિથભાઇને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા. બીજી કોઇ આજ્ઞા હતી નહીં એટલે નિશિથભાઇ ત્યાં ગયા. જ્યાં મેઇન ગેટ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. તેમણે આગળ જણાવ્યું કે, નિશિથભાઇએ વર્ણન કર્યુ કે, આપણે પિક્ચરમાં કેવી રીતે જોઇએ એવી રીતે શિવજી જટાવાળા, નાગ પહેરેલા, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશૂલ હાથમાં, આપણે ટીવીમાં જોઇએ છે એમ બધી પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશિથભાઇએ પ્રાર્થના કરી કે, આપ અહીં સુધી આવ્યા છો તે અંદર પધારો જેથી પ્રબોધસ્વામીજીના આપને દર્શન થઇ જાય. ત્યારે શિવજીએ કીધું કે પ્રબોધસ્વામીનાં દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગૃત થયાં નથી. પણ મને તમારા દર્શન થઇ ગયા એ મારા અહોભાગ્ય છે… એમ કહી, એટલું વાક્ય બોલી અને શિવજી એ યુવકને નિશિથભાઇના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યા. શિવજીનું આ અપમાન પ્રબોધસ્વામીની હાજરીમાં જ થઇ રહ્યું હતું અને પ્રબોધસ્વામી આ બધું સાંભળી રહ્યા હતા.
પ્રબોધ સ્વામી જૂથના સાધુ દ્વારા શિવજીના અપમાનના એક બે દિવસમાં જ એટલે કે, સપ્ટેમ્બર, 2022માં સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ 2 સાધુના વીડિયો સામે આવ્યા હતા. એક વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામીએ ડાકોરના રાજા રણછોડની ઉપેક્ષા કરતા કહ્યું હતું કે, એક હરિભક્ત છે, સમાજમાં ખૂબ આગળ પડતા છે. હું નામ ભૂલી ગયો એ કોઈ ઇલેક્શનમાં જીતી ગયા એટલે કોઈએ ડાકોરની માનતા માનેલી(હસતાં હસતાં…)પેલો બિચારો નિષ્ઠાવાળો સમાજમાં જીવીએ એટલે જવું તો પડે, પગે લાગવા ગયા કે બાપા જવું પડે તો કે જાવ જાવ દર્શન દઈ આવો, વિચારીએ આપણું સ્ટેટસ શું છે? આપણું સ્ટેટસ શું છે વિચારીએ આમ હાથ ક્યારેય ન થાય (પાછળ માથું ખંજવાળતા ખંજવાળતા) હારું શું થશે ક્યારેય નહીં. જ્યારે બીજા વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ જણ ભેગા મળીને તમારું અહિત કરવાનું ઇચ્છેને તો પણ તમારું અહિત કરી શકવાના નથી. આ ત્રણ દેવો પણ તમારું કંઈ ન કરી શકે.
એક બાદ એક સામે આવી રહેલા વીડિયો વચ્ચે 9 સપ્ટેમ્બર, 2022ના રોજ વધુ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં મહાદેવ બાદ બ્રહ્મા અને ઇન્દ્રદેવ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કૃષ્ણ સ્વરૂપ સ્વામી ભુજ જૂના મંદિરમાં પોતાના એક વક્તવ્યમાં સ્વામી પંથની વ્યાસપીઠ પરથી ઈન્દ્રની અને બ્રહ્માજી અંગે વિવાદી ટિપ્પણી કરી હતી. આ વીડિયોમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામી કહી રહ્યા છે કે, એક ઋષિ થઈ ગયા બગદાલુ, એને શિષ્યો ઘણા હતા. એમને એક દિવસ થયું કે, યાત્રા કરતો આવું એટલે બગદાલુ ઋષિ કચ્છના નારાયણ સરોવરની યાત્રાએ નીકળ્યા. તેમની સાથે ચેલા પણ હતા. રસ્તામાં ગુરુને લઘુશંકા આવતાં તેમણે પોતાના કમંડળ અને જોળી આપી લઘુશંકા કરવા ગયા. જોકે, આશ્ચર્ય શું થયું, પેશાબ કરતાં કરતાં ખડખડાટ હસવા માંડ્યા ને કૂદકા મારે. ચેલાને થયું કે, ગુરુની 60 વર્ષે લગભગ ડગરી ઢૂસ થઈ ગઈ. કુદકા મારે અને હસે. આવું ઘણીવાર આવ્યું.
વધુમાં તેઓ કહી રહ્યા છે કે, એક ચેલાએ પૂછ્યું, ગુરુજી તમે આજે નવી લીલા કરી. ગુરુએ કહ્યું કે, તમને શંકા થશે. ગજબનું રહસ્ય હતું. મારા પેશાબમાં બ્રહ્મા તણાયા. એ જોઇને હું હસતો હતો. ચેલાએ પૂછ્યું, એટલે? એ કહે પેશાબમાં મકોડો તણાતો હતો. એ જોઇને હું હસતો હતો. એ બ્રહ્મા હતો. બગદાલુ ઋષિ ત્રિકાળ દૃષ્ટિવાળા હતા. જે મકોડો હતો, એનો પૂર્વ જન્મ જોયો તો એ પૂર્વ ઇન્દ્ર હતો. એટલે એને પેશાબમાં તણાતો જોઇ મને આશ્ચર્યું થયું કે, આ તો જો ઇન્દ્ર પદવી હતી. પણ આજે એ જ ઇન્દ્ર પેશાબમાં તણાયો.