વડાપ્રધાન મોદીને મળ્યું સન્માન, ગ્રીસનાં રાષ્ટ્રપતિ કૈટરીનાએ આપ્યો ‘ગ્રેન્ડ ક્રૉસ ઑફ ધ ઑર્ડર ઑફ ઑનર’

Narendra Modi

40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી , 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરાશે, PMએ ગ્રીસમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુરોપિયન દેશ ગ્રીસની રાજધાની એથેન્સની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર વિદેશ મંત્રી જ્યોર્જ જેરાપેટ્રિટિસે મોદીનું સ્વાગત કર્યું હતું. આ પછી એરપોર્ટની બહાર એથેન્સની એક હોટલની બહાર ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે મોદીનું સ્વાગત કર્યું હતું જ્યાં દરેક ધર્મના લોકો પીએમને મળ્યા. ભારતીય સમુદાયના લોકોએ મોદીને ગ્રીસનો પારંપરિક તાજ પહેરાવ્યો, જેને હેડ્રેસ કહેવાય છે. લોકોએ મોદી મોદીના નારાઓ લગાવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોને મળ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોએ મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું- હું આ સન્માન માટે ગ્રીસના રાષ્ટ્રપતિ, ગ્રીસની સરકાર અને લોકોનો આભાર માનું છું. આ ગ્રીસના લોકોનો ભારત પ્રત્યેનું સન્માન દર્શાવે છે. આ પછી ભારત અને ગ્રીસ વચ્ચે ડેલિગેશન સ્તરની વાતચીત શરૂ થઈ હતી. આ પહેલા એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીસના રાષ્ટ્રપતિ સાકેલારોપૌલો સાથેની મુલાકાત દરમિયાન ચંદ્રયાન-3 મિશનની સફળતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા માત્ર ભારતની સફળતા નથી, પરંતુ તે સમગ્ર માનવજાતની સફળતા છે… ચંદ્રયાન-3 મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાના પરિણામો સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય અને માનવજાતને મદદ કરશે. આ પછી, સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું- અમે એકબીજાને જૂના મિત્રોની જેમ સમજીએ છીએ. અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું. એથેન્સમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેમણે ‘ટોમ્બ ઓફ અનનોન સોલ્જર’ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજીથી લઈને સંરક્ષણ સહયોગ પર ચર્ચા થઈ. ગ્રીક સિટી ટાઈમ્સના અહેવાલ મુજબ પીએમ મોદી સાથે 12 ભારતીય ઉદ્યોગપતિઓ પણ એથેન્સ પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીસ લાંબા સમયથી ભારતની બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીના ગ્રીસ પ્રવાસ પર ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવાતા બ્રહ્મોસ મિસાઈલ મેળવવા માટે ડીલ થઈ શકે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અને એમડી અતુલ દિનકરે જણાવ્યું હતું કે ભારતે બ્રહ્મોસ વેચવા માટે ફિલિપાઈન્સના સંરક્ષણ મંત્રાલય સાથે પ્રથમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય ઘણા નાટો દેશોએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે. ગ્રીસ UNSCમાં ભારતની કાયમી બેઠકનું પણ સમર્થક છે.

વડાપ્રધાન મોદી 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સપ્ટેમ્બર 1983માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.