રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ, ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નવી તસવીરો શેર કરી

Iscro declare Moon

ચંદ્રયાન-2 મિશનના ઓર્બિટરે ચંદ્રયાન-3ના લેન્ડરને કહ્યું- ‘સ્વાગત છે મિત્ર!

23 ઓગસ્ટે સાંજે 6:04 વાગ્યે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડિંગ થશે

પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર ભારતનાં રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની છાપ છોડશે

લાઈવ કવરેજ ઈસરોની વેબસાઈટ, ઈસરોની યુટ્યુબ ચેનલ, ઈસરોનું ફેસબુક પેજ અને ડીડી નેશનલ ટીવી ચેનલ સહિત ઘણા પ્લેટફોર્મ્સ પર લાઈવ જોઈ શકાશે.

રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે. ભારતના ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું મૂન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. 23 ઓગસ્ટ બુધવારના રોજ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડ થશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, ચંદ્રયાન-3 સાંજે 6.04 કલાકે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. સ્પેસક્રાફ્ટનું લેન્ડર મોડ્યુલ અંતિમ ડીબૂસ્ટિંગની સાથે ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. જાણો લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ ક્યારે અને ક્યાં જોઈ શકાશે.

ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ ઓપરેશન પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-2 મિશનના ઓર્બિટર અને ચંદ્રયાન-3ના લેન્ડર વચ્ચે સંપર્ક સ્થાપિત કર્યો છે. દ્વિ-માર્ગી સંચારની સ્થાપના પછી, ઓર્બિટરે લેન્ડરને કહ્યું- ‘સ્વાગત છે મિત્ર! ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. અન્નાદુરાઈના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 લેન્ડરને 23 ઓગસ્ટની સાંજે 25 કિલોમીટરની ઊંચાઈએથી ચંદ્રની સપાટી પર પહોંચવામાં 15થી 20 મિનિટનો સમય લાગશે. આ સમય સૌથી ક્રિટિકલ રહેવાનો છે. આ પછી, છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી રેમ્પ દ્વારા બહાર આવશે અને ઈસરો તરફથી કમાન્ડ મળતાં જ ચંદ્રની સપાટી પર દોડશે. આ દરમિયાન તેનાં પૈડાં ચંદ્રની ધરતી પર ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને ઈસરોના લોગોની છાપ છોડશે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ ભારતીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. તે સ્પેસ સંશોધનમાં ભારતની પ્રગતિનું પ્રતીક હશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ચંદ્રના સાઉથ પોલની તસવીરો શેર કરી છે. ચંદ્રયાન-3માં લગાવાયેલ લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા પરથી 19 ઓગસ્ટ 2023ના રોજ તસવીર લેવામાં આવી છે. આ કેમેરા લેન્ડરને સુરક્ષિત લેન્ડિંગ વિસ્તાર શોધવામાં મદદ કરશે.

ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ 23 ઓગસ્ટ, 2023ના રોજ 17:27 કલાકથી શરૂ થશે. લાઈવ કવરેજ ઈસરોની વેબસાઈટ, ઈસરોની યુટ્યુબ ચેનલ, ઈસરોનું ફેસબુક પેજ અને ડીડી નેશનલ ટીવી ચેનલ સહિત ઘણા પ્લેટફોર્મ્સ પર લાઈવ જોઈ શકાશે.

લુના-25 ચંદ્રના બોગુસ્લાવસ્કી ક્રેટર પાસે ઊતરવાનું હતું જ્યારે ચંદ્રયાન માંઝીનસ યુ ક્રેટર પાસે ઊતરશે. તેના કોઓર્ડિનેટ્સ 69.36˚S અને 32.34˚E છે. આ બે ક્રેટર વચ્ચેનું અંતર 100 કિમીથી વધુ છે. હવે જો ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરનાર પ્રથમ દેશ બની જશે.