ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલ અને તથ્ય પટેલની જામીન અરજી પાછી ઠેલાઈ

PragneshPatel

3 મૃતકના પરિવારે વાંધા અરજી કરતાં પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર 21મીએ ચુકાદો, ત્યારે જ તથ્યની જામીન અરજી પર સુનાવણી

એક મહિના પહેલા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર રાત્રે તથ્ય પટેલે પૂરપાટ ઝડપે જેગુઆર કાર ચલાવી 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી છે, જ્યારે તથ્ય પટેલે રેગ્યુલર જામીન અરજી કરી છે, જેમાં તથ્ય પટેલની જામીન અરજી પર સરકારે એફિડેવિટ કરવાની બાકી છે. આજે પ્રજ્ઞેશ પટેલની અરજી પર ચૂકાદો આવવાનો હતો, જોકે તથ્ય પટેલની અને પ્રજ્ઞેશ પટેલની અરજી પર કોર્ટમાં વાંઘા અરજી દાખલ કરવામાં આવી છે. જેને લઇને પ્રજ્ઞેશ પટેલની અરજી પર 21 ઓગસ્ટે ચૂકાદો સંભળાવવામાં આવી શકે છે, જ્યારે તથ્ય પટેલની અરજી પર પણ એજ દિવસ સુનાવણી હાથ ધરવામાં આવશે.

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરવામાં આવી હતી જેનો આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ચુકાદો આપવાનો હતો. પરંતુ અકસ્માતમાં મૃત્યુ પામેલ અક્ષર, કૃણાલ અને રોનક વતી એડવોકેટ દર્શન વેગડ દ્વારા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર વાંધા અરજી રજૂ કરી હતી. નોંધનીય છે કે અકસ્માત સમયે ઘટનાસ્થળે લોકોને ધમકાવીને, રિવોલ્વર કાઢવાની ધમકી આપવાના ગુના માટે પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. પ્રજ્ઞેશ પટેલે અગાઉ રેગ્યુલર જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજીમાં પ્રજ્ઞેશ પટેલના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાનું કેન્સર છે. તેની સારવાર માટે 23 ઓગસ્ટે મુંબઇની ટાટા હોસ્પિટલમાં તેની એપોઇન્ટમેન્ટ છે. જો તે સારવાર નહીં કરાવે તો તેની બીમારી બીજા સ્ટેજમાં પહોંચી જશે. ત્યારે પ્રવીણ ત્રિવેદીએ દલીલ કરી હતી કે 4 નવેમ્બર 2019 પછી આરોપીએ કોઈ સારવાર લીધી નથી. આ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPC કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.