આપણા બાળકની જેમ વૃક્ષ ઉછેરની પ્રવૃતિ કરી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરીએ
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ પાસે આવેલ બનાસ બાગ ખાતે લોકસભા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 74 મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત હાથમાં માટી લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે લોકસભા સાંસદ પરબતભાઇ પટેલે પ્રકૃતિના જતન અને સંવર્ધન પર ભાર મુકતા જણાવ્યું કે વૃક્ષ ઉછેર ખુબ માવજત માંગી લે છે ત્યારે આપણા બાળકની જેમ વૃક્ષ ઉછેરની પ્રવૃતિ કરી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરીએ. પાણી, પર્યાવરણ અને માટી બચાવવા આપણે સંકલ્પબદ્ધ બનીએ. તેમણે કહ્યું કે વૃક્ષ વાવીએ તો વનનું નિર્માણ થાય છે જયારે વૃક્ષ કુદરતી રીતે ઉગે એને જંગલ કહેવાય છે. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં આપણા વડવાઓ પ્રકૃતિની ખુબ કાળજી રાખતા હતા એટલે વૃક્ષ વાવવાની જરૂર જ પડતી નહોતી જયારે આજે આડેધડ વૃક્ષોનું નિકંદન અને નદીઓના પૂરણને લીધે નદીઓના પ્રવાહ પણ બદલાઈ ગયા છે ત્યારે પ્રકૃતિનું જતન કરવું આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ જરૂરી છે.
રાજ્ય સભાના પૂર્વ સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયાએ જણાવ્યું કે વૃક્ષ વગર માનવ જીવન શક્ય નથી એ વાત આપણને કોરોનાકાળમાં સારી રીતે સમજાઈ છે ત્યારે વૃક્ષનું મહત્વ સમજી ગામમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવીએ. તેમણે ખેડૂતોને વૃક્ષો વાવવાની અપીલ કરતા કહ્યું કે વૃક્ષો વાવવાની સાથે વૃક્ષો કાપવાનુ પણ બંધ કરીશું તો પ્રકૃતિનું યોગ્ય જતન થશે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ વૃક્ષારોપણની જરૂરિયાત અને વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું કે ભારતમાં દરવર્ષે 390 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇટ ઉત્પન્ન થાય છે એની સામે એટલા પ્રમાણમાં ઓક્સિજનનું ઉત્પાદન થતું નથી. આ ઓક્સિજનના ઉત્પાદન માટે વૃક્ષો વાવવા ખુબ જરૂરી છે. જયારે પ્રકૃતિ આપણું જતન કરતી હોય ત્યારે આપણે પણ પ્રકૃતિના જતન અને સંવર્ધન કરવું જોઈએ. તેમણે ખેડૂતોને શેઢે-પાળે 100 જેટલાં વૃક્ષ વાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, પ્રકૃતિના જતન અને વૃક્ષોના વાવેતર માટે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા રહી પરોપકારી વૃત્તિથી વૃક્ષોનું જતન કરી સેવાનું પુણ્યનું કામ કરીએ.
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અભયકુમારસિંહે જણાવ્યું કે, સામાજિક વનીકરણ વધારવા આપણા ગુજરાતની ધરતીના સપૂત શ્રી ક. મા. મુન્શીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 19 ખાતાકીય નર્સરી સહિત વિવિધ નર્સરીઓમાં 66 લાખ જેટલાં રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. ખેડૂતોની જમીનમાં વૃક્ષો વાવવા વૃક્ષ ખેતી યોજના અમલી છે એનો લાભ લેવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. જિલ્લામાં 3.50 લાખ કરતા વધારે રોપાઓનું વાવેતર કરનાર vssm સંસ્થાના જિલ્લા સંયોજક નારણભાઇ રાવળનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું. મહાનુભાવોના હસ્તે મફત રોપા વિતરણ વાહનનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, અગ્રણી ગણપતભાઈ રાજગોર,જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, વન સંરક્ષક ડૉ. બી. સૂચિન્દ્રા, નોર્મલ વિભાગના નાયબ વન સંરક્ષક પી. જે. ચૌધરી, મદદનીશ વન સંરક્ષણ ભરતભાઈ ચૌધરી, દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી. એમ. ભૂતડીયા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.