હવામાન વિભાગે મહારાષ્ટ્ર માટે હાઈ એલર્ટ જાહેર કર્યું, દિલ્હી-NCR સહિત 26 રાજ્યોમાં ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહના અંતમાં દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધુ પડતી છે. સૌરાષ્ટ્ર પર પણ વરસાદની મેઘમહેર વરસી શકે છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા સર્જાઈ રહી છે. આ સિવાય સુરત, તાપી, નવસારી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, રૂરલ અમદાવાદ, ખેડા, આણંદમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
આજે દિલ્હી-NCRમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 જુલાઈએ દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે અને લોકોને ભેજવાળી ગરમીથી રાહત મળશે. 27 જુલાઈના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMDએ 28 જુલાઈએ એટલે કે શુક્રવારે પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, કોસ્ટલ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
IMDએ આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 28 જુલાઈએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ 31 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની ગતિવિધિઓ પણ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહના અંતમાં દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે.