બાળ દુષ્કર્મ કેસમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસમાં વર્ગ-3ના સિનિયર કર્મીને પંચ તરીકે લેવાના રહેશે. કરાર આધારિત સરકારી કર્મીને પંચમાં નહીં રાખી શકાય અને દુષ્કર્મના આરોપીને 6 માસમાં સજા થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં સગીર વયનાં બાળકો પર વધી રહેલા દુષ્કર્મના કેસોમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ઘનિષ્ઠ તપાસ થાય તેમજ કોર્ટ કાર્યવાહી દરમિયાન આ પ્રકારના આરોપીઓ કાયદાની છટકબારીનો ગેરલાભ ના મેળવી જાય એ માટે આરોપીઓ સામેની કાર્યવાહીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. હવે દુષ્કર્મના આરોપીઓને 6 મહિનાની અંદર સજા સંભળાવવામાં આવશે.
ગત સોમવારે સુરતમાં એક માસૂમની હત્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ થયો હતો
શહેરના પાંડેસરાના પ્રેમનગરમાંથી સોમવારે બપોરે 10 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 24 વર્ષીય યુવાને દાનત બગાડી રેપના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપી પડોશી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણે(ઉં.વ.24)ની ધરપકડ કરી હતી. પાંડેસરા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો, બાળકીએ બૂમાબૂમ કરતાં તેની હત્યા કર્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
બાળકી સાથે આચરાયેલી હેવાનિયતનો આખો ઘટનાક્રમ
પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં સોમવારે બપોરે ધો.4માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી, જેથી પરિવારે શોધખોળ હાથ ધરી પોલીસને જાણ કરી હતી. બાળકીને તેની પાડોશમાં જ રહેતો દિનેશ વડાપાંઉ આપવાની લાલચે લઈ ગયો હતો. બાળકીને ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનમાં વડાપાંઉ અપાવ્યું હતું. ત્યાર બાદ પ્રેમનગર ઝૂંપડપટ્ટીના નાકા પરથી ઓટોરિક્ષામાં બેસાડી ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હતો. ઇન્ડસ્ટ્રીઝના પાછળના ભાગે અવાવરૂ જગ્યા, જ્યાં મોટા પ્રમાણ ઘાસ ઊગેલું છે ત્યાં લઇ ગયો હતો.