પહાડી રાજ્યોમાં પડી રહેલી બરફવર્ષાની અસર મેદાની રાજ્યો પર સીધી થઈ રહી છે. દિલ્હી અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શિમલામાં સામાન્ય તાપમાન 6 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, તો આ તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 4.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ અને દિલ્હીના અમુક ભાગમાં ધુમ્મસ થવાના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાનું અનુમાન છે.
દિલ્હીમાં 7 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહમાં તાપમાન ઘટીને 7 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે સવારે દિલ્હીનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું.
માઉન્ટ આબુમાં તાપમાન 4.6 ડિગ્રી
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં રાતે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જ્યારે માઉન્ટ આબુમાં રાતનું તાપમાન સૌથી ઓછું 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચુરુમાં સામાન્ય તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતા 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
તમિલનાડુમાં વરસાદથી આફત
તમિલનાડુના પશ્વિમ ભાગમાં પડેલા વરસાદથી નદી નાળામાં ફરી સપાટી ઊંચકાઈ છે. થેની જિલ્લામાં સ્થાનિક નદીની ધાર કાંઠાથી આગળ વધી ગઈ છે જેનાથી આસપાસની વસ્તી પર જોખમ મંડરાવા લાગ્યું છે. તંત્રએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
બરફના કાટમાળમાં જવાન દબાયો
જમ્મુ કાશ્મીરના તંગધારમાં સેનાને ખરાબ હવામાનનું કહેર સહન કરવું પડે છે. રાષ્ટ્રીય રાયફલ્સની એક પોસ્ટ બરફના તોફાનના સંકજામાં આવી ગઈ છે. બરફના કાટમાળમાં દબાવાના કારણે એક જવાન શહીદ થઈ ગયો જ્યારે બે જવાન ઘાયલ હોવાના સમાચાર છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. ત્યારપછી હવામાન વિભાગે બરફના તોફાનની ચેતવણી પણ આપી હતી.
શિમલામાં તાપમાન 6 ડિગ્રી
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડી વધવા લાગી છે. શિમલામાં સામાન્ય તાપમાન 6 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને સવારના સમયે ધુમ્મસ જોવા મળી રહી છે. છેલ્લા 2-3 દિવસોમાં શિમલા, મનાલીના ઘણા પર્યટન સ્થળોમાં બરફવર્ષા જોવા મળી છે, જેના કારણે ચારેય બાજુ બરફની સફેદ ચાદર છવાઈ છે.