રૂપિયા 6થી 7 હજારમાં એક કિલો વેચાતા વાળની ચોરીનો વિચિત્ર કિસ્સો ભરૂચના ઇખર ગામે બન્યો છે. ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાં ખાડો પાડી માથાના વાળ કાપી લઇ તેની ચોરી કરતી ત્રિપુટીને ગ્રામજનોએ ઝડપી પાડી હતી. સ્થાનિકોએ 2 સગીર સહિત ત્રણને મેથીપાક આપી પોલીસના હવાલે કરતાં પોલીસે અરજીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિકોએ વોચ ગોઠવી ઝડપી પાડ્યા
ઇખર ગામના કબ્રસ્તાનમાં થોડા દિવસથી કબરોને નુકસાન કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. દરમિયાનમાં બે-એક દિવસ પહેલાં ઇખરના કબ્રસ્તાનમાંથી ભાગતાં ત્રણ શખ્સોને કેટલાંક શખ્સોએ જોઇ જતાં તેમણે તેઓની ભાળ કાઢતાં પાલેજ નજીકથી તે પૈકીના બે સગીરને ઝડપી પાડ્યાં હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ઇકબાલ નામનો શખ્સ તેમજ ઝડપાયેલા બે સગીર કબરમાંથી વાળ ખેંચીને ચોરી કરતાં હોવાની કેફિયત કરી હતી. જે પૈકીના બે સગીર વાળનો વ્યવસાય કરતાં હોઇ ઇકબાલની મદદથી કબ્રસ્તાનમાં આવેલી મહિલાઓની કબર શોધતાં હતાં. આ શખ્સો કબરના માથાના ભાગે નાનું કાણું પાડી દોરી અને તારથી ખાડામાંથી મહિલાઓના વાળ ખેંચી લઇ તેને કાપી લઇ ચોરી કરી જતાં હોવાની કબુલાત તેમણે કરી હતી.
જૂની કબરોને શોધી કારસો રચતાં હતાં
કબ્રસ્તાનમાં મહિલાઓની કબરને ટોળકી નિશાન બનાવતી હતી. ટોળકી ધ્યાન રાખતી હતી કે, કબર જૂની હોય જેથી કે મૃતકના માથાના વાળ ચામડીમાંથી છુટાં પડી ગયાં હોઇ તેને સરળતાથી બહાર કાઢી શકાય. જ્યારે નવી કબરમાં તેટલી સરળતાથી વાળ નિકળી શકતાં ન હોઇ તે માટે તેઓ મહેનત કરતાં ન હતાં.
આસપાસના ગામોમાં તપાસના મેસેજ કર્યાં
ગ્રામજનોએ મહિલાઓની કબરને નુકસાન કરી વાળ ચોરી કરનાર ટોળકી ઝડપી પાડી પોલીસને હવાલે કર્યાં હતાં. જોકે, ટોળકીએ આસપાસના વલણ સાંસરોદ હલદરવા સહિતના ગામોમાં પણ આ પ્રકારનો કારસો રચાયો હોવાની શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી સોશિયલ મિડિયા પર ઓડિયો મેસેજ વાયરલ કર્યાં હતાં.
1 મહિલાના 80થી 125 ગ્રામ વાળ નીકળે
વીગ બનાવવા માટે લાંબા વાળ ખરીદવામાં આવતાં હોય છે. સામાન્ય રીતે એક મહિલાના માથામાં અંદાજે 80થી 90 ગ્રામ જેટલાં વાળ હોય છે. જોકે જો કોઇ મહિલાના માથામાં વાળનો ગ્રોથ સારો હોય તો અંદાજે 100થી 125 ગ્રામ જેટલાં વાળ નિકળતાં હોય છે. તેથી આ વાળની ચોરી કરતા હતા.
માત્ર એક જ કબરને નુકસાનની કબૂલાત
ઇખર ગામના કબ્રસ્તાનમાંથી વાળ ચોરી બાબતે ગ્રામજનોએ ત્રણ જણા પૈકી પાલેજથી બેને ઝડપી પાડ્યાં હતાં. તેમની પ્રાથમિક પુછપરછ કરતાં તેઓએ ઇખરના કબ્રસ્તાનમાં માત્ર એક જ કબરને નુકસાન કર્યું હોવાનું કબુલ્યું હતું. જોકે તેઓએ અન્ય કોઇ કબ્રસ્તાનમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે.