પોલેન્ડમાં 30 વર્ષના સૌથી મોટા દેખાવો:ગર્ભપાત ગેરબંધારણીય ઠેરવવા વિરુદ્ધ ચાર લાખ લોકોના દેખાવો

પોલેન્ડની સુપ્રીમકોર્ટે 23 ઓક્ટોબરે સ્વૈચ્છિક ગર્ભપાતને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. આ ચુકાદા પછી દેશમાં છેલ્લા 10 દિવસથી ચાલતા દેખાવોએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. સોમવારે રાત્રે દેશભરમાંથી આશરે ચાર લાખ લોકો રાજધાની વૉરસોમાં ભેગા થયા હતા, જેમાં મોટા ભાગની મહિલાઓ હતી. તેમની માંગ હતી કે, ગર્ભ વખતે સૌથી વધુ તકલીફ મહિલાઓ જ સહન કરે છે એટલે ગર્ભ રાખવો કે ના રાખવો તેનો હક મહિલાઓને જ હોવો જોઈએ. આ છેલ્લાં 30 વર્ષના સૌથી મોટા વિરોધ દેખાવો હતા. વૉરસો પોલીસના મતે, સુપ્રીમકોર્ટના ચુકાદા વિરુદ્ધ દેશમાં આશરે 400 સ્થળે દેખાવો થઈ રહ્યા છે.

1989ના દેખાવો સાથે તુલના
વૉરસોમાં થયેલા દેખાવોની તુલના 1989ના સોલિડારિટી આંદોલન સાથે થઈ રહી છે. સોલિડારિટી નામના મજૂર યુનિયનના આ આંદોલનના કારણે જ પોલેન્ડમાં સામ્યવાદી શાસન ખતમ થયું હતું. બીજી તરફ, માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે સત્તાધારી લૉ એન્ડ જસ્ટિસ પાર્ટીના રાજમાં સામાન્ય લોકોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે જે સામ્યવાદી શાસન પછી ભારે મુશ્કેલીથી પોલેન્ડના લોકોએ હાંસલ કરી હતી.