ગોતાના સત્યમેવ વિસ્ટા પાસે આવેલા રોયલ હોમ્સમાં પુત્રવધૂએ સાસુની હત્યા કર્યાના બનાવમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસ-તપાસમાં બહાર આવ્યું છે કે હત્યા કરનાર પુત્રવધૂ નિકિતાને 1 મહિનાનો ગર્ભ છે. પુત્રવધૂના સસરા સાથે આડાસંબંધની શંકાને લઇને છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાં કકળાટ ચાલતો હતો. નિકિતાના ગર્ભમાં રહેલું બાળક સસરાનું હોવાના સાસુ દ્વારા આક્ષેપ કરવામાં આવતા હતા, જેને લઇને બન્ને વચ્ચે ઝગડો થયો હતો. મંગળવારે પણ આ બાબતે ઝગડો થયો હતો અને નિકિતાએ સાસુને સળિયાના ફટકા મારી હત્યા કરી હતી.
ગર્ભમાં રહેલા બાળકને લઈને એક અઠવાડિયાથી ઝગડો ચાલતો હતો
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે સાસુ-વહુ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા. જોકે છેલ્લા એક અઠવાડિયાથી સાસુ-વહુ વચ્ચે આરોપી નિકિતાના ગર્ભમાં રહેલા બાળકને લઈને ઝગડા થતા હતા. નિકિતાના ગર્ભમાં રહેલું બાળક સસરાનું હોવાનો આક્ષેપ સાસુ કરતી હતી, જેને લઈ બોલાચાલી થઈ હતી. આ બાબતે સાંજે શરૂ થયેલો ઝઘડો રાતે 8 વાગ્યે ઉગ્ર બની ગયો હતો, જેથી આવેશમાં આવી નિકિતાએ લોખંડનો સળિયો હાથમાં આવી જતાં તેમને ઘા મારી દીધા હતા.
પુત્ર મંદિરે દર્શન કરવા ગયો અને ખૂની ખેલ ખેલાયો
દીપક અગ્રવાલ ગોતામાં મહાવીર ગ્રેનાઇટ અને આર.કે. સ્ટોનના નામે વેપાર કરે છે. 24 ઓક્ટોબરે દીપકના પિતાને કોરોના થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે દીપક જમીને હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હતો, એ સમયે ઘરમાં સાસુ રેખાબેન અને પુત્રવધૂ નિકિતા ઘરમાં જ હતાં. એ દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ઘરનાં બંધ બારણાં વચ્ચે નિકિતાએ ખૂની ખેલ્યો હતો. લોખંડના સળિયા વડે સાસુના માથામાં ઘા મારતાં ચીસો અને બૂમાબૂમ થઇ હતી. બૂમો સાંભળીને આસપાસના ફ્લેટના લોકો પણ ભેગા થઇ ગયા હતા.