પ્રેમિકાએ પ્રેમીને ફોન કરી ઘરે મળવા બોલાવ્યો, અચાનક પતિ આવી જતાં પ્રેમીએ ફ્લેટના સાતમા માળેથી કૂદકો મારતાં મોત

ઉમરગામ ગાંધીવાડી વિસ્તારની એક સોસાયટીના સાતમા માળે રહેતી પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવકે અચાનક પ્રેમિકાનો પતિ આવી જતાં સાતમા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. યુવકનું સ્થળ પર જ મોત નીપજયું હતું. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

અકસ્માત કે હત્યા – મૃતકની અંતિમવિધિમાં સ્વજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી
ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીની B વિંગમાં સાતમા માળે રહેતી એક પરિણીત મહિલા સાથે 2 સંતાનના પિતા એવા 45 વર્ષીય યુવક રાજુ કિશનભાઈ દૂબળા, રહે. પાવર હાઉસ નજીક, નવી નગરી, છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધ ધરાવતો. શુક્રવારે વહેલી સવારે રાજુ ઉપરોક્ત પ્રેમિકા મહિલાને મળવા માટે આવ્યો હતો. જોકે આ દરમિયાન અચાનક પ્રેમિકા મહિલાનો પતિ ઘરે પરત આવી જતાં રાજુ દૂબળાએ પકડાઈ જવાની બીકે સાતમા માળના ફ્લેટની ગેલેરીમાંથી છલાંગ મારતાં માથાના તેમજ અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતાં એનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું મનાય છે. ઘટના બાદ બિલ્ડિંગમાં રહેતા તેમજ આજુબાજુના રહીશોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ઘટના અંગેની જાણ સંતોષભાઈ મંગુભાઈ, રહે. પળગામ રામમંદિર ફળિયા, ઉમરગામ પોલીસને કરી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ પીએમ માટે રવાના કરી હતી. જોકે અંતિમવિધિમાં મૃતક રાજુના સ્વજનો આ અકસ્માત નહીં, પણ પૂર્વ આયોજિત હત્યા હોવાની શંકા વ્યક્ત કરતા હતા.

નજીકમાં નોકરી કરતાં બંનેની આંખો મળી હતી
પ્રેમિકાના ફ્લેટના સાતમા માળેથી પટકાતાં મોતને ભેટેલા પ્રેમી યુવક રાજુ દૂબળા નજીકમાં જ એક વ્યક્તિના ત્યાં સાઇટ સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હોવાનું અને એ દરમિયાન બે વર્ષ પહેલાં આ બિલ્ડિંગમાં 7મા માળે રહેતી મહિલાના સંપર્કમાં આવતાં બંને વચ્ચે આંખો મળી હોવાનું કહેવાય છે.

ગુરુવારે મહિલાના પતિ સાથે રાજુનો ઝઘડો થયો હતો
પ્રેમી યુવક રાજુના ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીની B વિંગમાં સાતમા માળે રહેતી જે મહિલા સાથે આડા સંબંધ હતા તેના પતિને બંનેના સંબંધની ગંધ આવી જતાં ગુરૂવારે રાત્રે મહિલાના પતિએ તેના એક સાથીમિત્ર સાથે મળી રાજુ સાથે ઝઘડો કર્યો હોવાની વાત ઘટનાસ્થળથી જાણવા મળી હતી અને આ ઝઘડાની અદાવતમાં હત્યાની શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

મહિલાએ જ યુવકને સામેથી બોલાવ્યો હતો
મહિલાએ જ પ્રેમી યુવકને સામેથી ફોન કરી સવારે ફ્લેટ પર મળવા બોલાવ્યો હોવાનું અને ઘટના બાદ નીચે ઊતરી રાજુની લાશને જોઈ ચાલી ગઈ હોવાનું કહેવાય છે.

રાજુને સામેથી બોલાવી પૂર્વ આયોજિત હત્યા કર્યાની શંકા છે
રાજુ સાથે આગલી રાત્રે પ્રેમી મહિલાના પતિએ ઝઘડો કર્યો હતો અને આજે સવારે મહિલાએ તેને સામેથી બોલાવ્યો હતો અને ત્યાં મહિલાના પતિએ મિત્રો સાથે રાજુને સાતમા માળેથી ફેંકી પૂર્વ આયોજિત હત્યા કર્યાની આશંકા છે. – હમેન્ત નાયકા, મૃતકનો મિત્ર.