અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

ahmedabad-rain

અનેક વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

બે દિવસના વિરામ બાદ આજે ફરી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાંજના સમયે ભારે પવન સાથે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.

શહેરનાં વટવા, મણિનગર, ઇસનપુર, ઘોડાસર,સીટીએમ, ઓઢવ, વિરાટનગર, જમાલપુર, ખાડીયા, નિકોલ,લાલ દરવાજા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન અને વીજળીનાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને વિજળી કડાકા સાથે વરસાદ શરૂ થતાં અનેક વાહન ચાલકો રસ્તા પર ઉભા રહી જવું પડ્યું હતું. થોડી જ વારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઇ જતાં અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

શહેરના સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, ઈસ્કોન, પકવાન ચાર રસ્તા, થલતેજ, શીલજ, બોપલ, સાયન્સ સિટી રોડ, કોર્મસ છ રસ્તા, ગુજરાત, યુનિવર્સિટી, ચાંદખેડા, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદનાં હળવા ઝાપટાં પડ્યા હતા. ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઇ ગયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે (2 સપ્ટેમ્બરે) દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમદાવાદના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે.