આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ફરી એકવાર રામજન્મભૂમિને લઈને ઝેર ઓક્યું છે. અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી તેનો ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે.
આ ઓડિયો સામે આવ્યા બાદ અયોધ્યામાં તૈનાત સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રામ મંદિર અને તેની નજીકના એપ્રોચ રોડ અને મુખ્ય મથકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ અવરોધો પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. રામલલાના દર્શન માર્ગ પર પણ ભક્તોની દેખરેખ વધારી દેવામાં આવી છે. આતંકવાદી ધમકી બાદ રામ નગરી એલર્ટ મોડ પર છે.
વાયરલ ઓડિયોમાં જૈશ-એ-મોહમ્મદનો આમીર નામનો આતંકવાદી એવું કહેતા સંભળાય છે કે અમારી મસ્જિદ હટાવી દેવાઈ છે અને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે બોમ્બમારો થશે. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથીઓએ બલિદાન આપ્યું છે અને તેથી હવે આ મંદિરને તોડવું પડશે. એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારની સૂચના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
ઉલ્લેખનિય છે કે, આ સંગઠનનું નામ 2005માં રામજન્મભૂમિ સંકુલ પર થયેલા આતંકી હુમલામાં સામે આવ્યું હતું. જૈશ રામજન્મભૂમિને લઈને સતત ઝેર ઓકતો રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પણ આ આતંકવાદી સંગઠને ધમકી આપી હતી.